દિકરા જૈત્ર,
ગઇકાલે સાંજે આપણે કેટલું તોફાન કર્યુ. મેં તને કેટલી બધી ગલીપચી કરી ને તું કેટલું ખડખડાટ હસતો હતો. ગઇ કાલે મને થયું કે સારું થયું મેં નોકરી છોડી દીધી નહિંતર તારા માટે આટલો સમય ન ફાળવી શકત. સાત વાગે ઘરે આવ્યા પછી તારી સાથે રમવાના હોશકોશ ન રહત.
તને ખબર છે જ્યારે મેં નોકરી છોડવાતું વિચાર્યું ત્યારે ઘણા લોકો ને લાગેલું કે આ ‘પ્રેક્ટિકલ અપ્રોચ’ નથી. જે-જે લોકોએ એવું જાણ્યું કે હું મારી આટલી સારી નોકરી છોડી દેવાની છું તે બધા મને પુછવા લાગ્યા કે ખરેખર તું નોકરી છોડી દઇશ? લોકોને નોકરી નથી મળતી ને તું નોકરી છોડવાની વાત કરે છે. પણ, સાચુ કહું તો મારા માટે એ બધા કરતા તું વધારે વ્હાલો છે. માણસે જીંદગીના દરેક તબ્બ્કે પોતાની ‘પ્રયોરિટિ’ નક્કી કરવી પડે અને જો સાચી ‘પ્રાયોરિટિ’ નક્કી થાય તો સંતોષ મળે અને બાકીના રસ્તા આપોઆપ ખુલવા માડે.
જે દિવસે ઓફિસમાંથી મને બોલાવવામાં આવી ત્યારે મેં વિચારેલું કે મને રાજીનામું આપવાનું કહેશે તો શું કરીશ. પછી પાછો વિચાર આવ્યો કંઇ નહિ એ એમના ઘરે અને હું મારા ઘરે! ઘણા કહેતા કે તારે જૈત્રને લીધે નોકરી છોડવી પડી નહિ? ત્યારે હું કહેતી કે ના મેં જૈત્ર માટે નોકરી છોડી છે મારે નોકરી છોડવી પડી નથી.
નોકરી છોડે પણ બે વર્ષ થવા આવ્યા. જો નોકરી કરતી હોત તો બે ‘ઇન્કરીમેન્ટ’ અને એક ‘પ્રમોશન’ મળ્યા હોત પણ એ પહેલાં મને “મા” નામનું ‘ડેઝીગ્નેશન’ મળ્યુ એનું પાટિયું ઓફિસમાં ક્યા લગાવત? ઘરેથી ‘ફ્રી લાન્સીંગ’ શરુ કર્યુ અને હવે ‘કોન્ટ્રાક બેઝીઝ’ પર નોકરી અને તે પણ ઘરે બેઠા. અને એમાં કેટલી બધી મજા છે કે ન પુછો વાત. તું સૂઇ જાય ત્યારે ઓફિસનું કામ કરવાનું અને ઉઠે એટલે તારી સાથે તોફાન મસ્તી કરવાનું. તું રમતો હોય ને હું કંઇ કામ કરતી હોઉં ત્યારે વચ્ચે વચ્ચે તને છી-છી, પી-પી કરાવવાનું. તું રમતા રમતા આવી ને ડોકિયું કરી જાય ને ‘મમા’ એવું બોલી ને નાસી જાય. ત્યારે લાગે કે હું તારું ધ્યાન રાખુ છું કે તું મારુ!
હવે શિયાળો છે એટલે આપણે સવારે કુણા તડકાને માણવા જઇએ છીએ, રજાઇમાં ગલુડિયાની જેમ લપાઇને સુઇ જઇએ છીએ. આ બધુ ક્યાંક ‘મીસ’ થઇ જાત જો મેં નોકરી કરવાનું ચાલુ રાખ્યું હોત. તારી નાનામાં-નાની વસ્તુની કાળજી કરવાનું કેટલું ગમે છે મને. એનો કંટાળો નથી આવતો, પણ બહુ મજા આવે છે. તને પુછું કે ‘મમા’ હીગ ક્યાં લગાવે છે એટલે તું તારી ટી-શર્ટ ઉંચી કરીને મને પેટ બતાવે છે. તને હવે નોઝ, આઇઝ્ લેગ્સ, હેન્ડ બધુ ઓળખતા આવડે છે. આ બધાનું તને ‘રીવીઝન’ કરાવાની મને બહુ મજા આવે છે. ક્યારેક તારે ના બોલવું હોય તો તને લાલચ આપી ને પણ બોલાવું છું.
તને થશે કે આમ આજે અચાનક મમ્મી આ બધુ તને કેમ કહી રહી છે. બસ એટલા માટે જ બેટા કે ‘સેલરી’ કરતાં ‘સેટિસ્ફેક્શન’ અને પૈસા કરતાં પ્રેમ અને લાગણી વધારે મહત્વના છે, એ વાત તને સમજાવવા માટે.
બસ આજે આટલું જ. બીજી વાતો ફરી ક્યારેક.
લિ.
તારી વ્હાલી મમ્મી.
Be First to Comment