દિકરા જૈત્ર,
આજનો દિવસ એટલે અમારા માટે સૌથી યાદગાર દિવસ – તારો જન્મ દિવસ.
બે વર્ષ પાણીના રેલાની જેમ પસાર થઇ ગયા. તારા કપડા અને શુઝની સાઇઝ જાણે ઝડપથી વધવા લાગી છે. તેં આટલા સમયમાં’ય કેટલું બધુ નવું નવું શીખી લીધું છે. જાણીતા અને અજાણ્યા ચહેરાઓ વચ્ચે ભેદ પારખતા થઇ ગયો છે. તારી રોજબરોજની જીદગીમાં દરરોજ કંઇક નવું હોય છે એટલે તને કેટલી મઝા આવતી હશે! બ્રશ કરવાનું, ફૂલ-છોડને પાણી પીવડાવવાનું. મારા કામમાં થોડી-થોડી મદદ કરવાનુ અને ક્યારેક મારું કામ વધારી દેવાનું.
તારી ‘આઇટે’ (લાઇટે) અમારા જીવનમાં કેટલું અજવાળું કર્યું છે તે તું તો ક્યાંથી જાણે! તારી બાળ સહજ નિર્દોશતા અમને હંમેશાં તારી સાથે રહેવા ખેંચે છે. તારા તોફાન મસ્તીથી ઘર ભર્યું ભર્યું લાગે હો છે. તું બીમાર પડી જાય તો જાણે આખ્ખું ઘર ખાલ થઇ ગયું હોય તેમ લાગે છે.
તને ખવડાવવા માટે મારે પી.ટી.ઉષાની જેમ તારી આગળ પાછળ દોડવું પડે છે ને પછી તારા જાતજાતના નખરાં મારો બધો થાક ઉતારી દે છે. તું તારા નકલી મોબાઇલથી મારી સાથે ‘સેલ્ફી’ પણ પાડે છે. અને ત્યારે મને ખરેખર લાગે છે કે એ ‘સેલ્ફી’માં હું અને મારા પ્રતિબિંબ જેવા તું બન્ને એક છીએ! તું મને અને તારા પપ્પાને સાથે બાઝે છે ત્યારે લાગે છે કે જે પ્રેમાભિષેક અમે તારા પર કર્યો છે તે પાછો અમારા પર થાય છે.
જીદગીમાં ક્યાંય ‘રીવાઇન્ડ’ કે ‘ફોર્વડ’ બટન નથી હોતું માટે આપણને જે ક્ષણ મળે તેને જીંદગીથી છલ્લો છલ્લો ભરી દેવાની.
તારી જીંદગીની દરેક ક્ષણ ભરી-ભરી રહે, ખુશનુમા અને હસતી રહે તેવી આજના દિવસની શુભેચ્છા અને આશિષ.
તને બહુ જ વ્હાલ કરતી
તારી વ્હાલી મમ્મી
Be First to Comment