દિકરા જૈત્ર,
મોટા જ નાનાને શિખવાડી શકે એવું કોણે કહ્યું, ક્યારેક નાના પણ મોટઓને ઘણું શીખવી જાય છે.
મેં ખાસ્સા વીસ (૨૦) વર્ષ પછી, જૂન મહિનામાં ટુ-વ્હીલર ચલાવવાનું શરું કર્યુ. નજીક નજીકમાં જઈ કામ પતાવી શકાય બસ એટલો જ આશય. દરરોજ પ્રેક્ટિસ કરવાની અને જાતને ટપારવાની કે આમ કરતાં જ આવડશે.
ગઈ કાલે તને (જૈત્ર) આગળ ઉભા રાખીને થોડે સુધી ગઈ. એને બેસાડતા પહેલાં જ કહેલું કે મમ્મીને હજી બરાબર આવડતું નથી એટલે હાલીશ નહિ. તો તું હાલ્યા વગર ઊભો રહ્યો. અને જાત-જાતના પ્રશ્નો પૂછવા લગ્યો, “તેં કેમ સાઈડ લાઈટ કરી નહિ? તેં ટર્ન લીધો તો તારે સાઈડ લાઈટ કરવી પડે. પપ્પા કારમાં કરે છે.” ત્યારે મેં તને કહ્યું, “મમ્મી હજી શીખી નથી, શીખશે એટલે કરશે.” તને લાગ્યું કે મમ્મી ડરે છે ને શીખતી નથી એટલે તેં મને આશ્વાસન આપ્યું “વાંધો નહિ ના આવડે તો ટ્રાય કરવાનો, તું ટ્રાય કરીશ એટલે આવડી જશે. અને તોય ન આવડે તો બોલવાનું ‘Yes I can do’ એટલે આવડી જશે.”
જ્યારે ૪ વર્ષનું બાળક તમને પ્રેરણા આપે, જ્યારે એ જ તમારી પીઠ થબથબાવે ત્યારે તમને કોણ રોકી શકે! તું મારો પ્રેરણાનો સ્ત્રોત છે. તું મારામાં હતો ત્યારે પણ અને હવે મારી સાથે છે ત્યારે પણ. બસ, પછી મારે શેની ચિંતા, ખરું ને!
તા.ક. ‘Yes I can do’ એ પેરાલિમ્પિક ગેમ્સ ૨૦૧૬ નો વિડિયો છે. જૈત્રને એ બહુ જ ગમે છે. એ જોવા અહિં ક્લિક કરો.
Be First to Comment