ઘરમાંથી બા-બાપુજીના ફોટા ઉતાર્યાં. બાપુના ફોટામાં એનો ચહેરો પ્રતિબિંબિત થયો, જાણે આબેહુબ બાપુજી. પરિસ્થિતિએ એને પણ બાપુજીની જગ્યાએ લાવીને મૂકી દીધો આજે. ફોટાને બેગમાં મૂક્યાં. ગામના ઘરમાં દિવાલ પર ખીલી મારી, લાકડાની પટ્ટી પર ત્રાંસા રહે એમ તારથી બાંધેલા ફોટા જોતો ત્યારે એમ લાગતું કે જાણે હમાણાં આવીને બા-બાપુજી એને ભેટી પડશે. એ જગ્યાએ પહેલાં ભગવાનના એક-બે ફોટા રહેતાં. એ ફોટાની પાછળ ચકલી માળો બાંધતી. શહેરમાં ભણવા ગયો ત્યારથી બા-બાપુજી માટે એ ચકલીનું ઉડાઉડ જાણે ઘરની એકલતાને ભાંગવાનું કારણ બની ગયું હતું. એમને એમનો માળો ભર્યો-ભાદર્યો લાગતો. હવે શહેરના ઘરમાં દિવાલ સાથે જડાઈ ગયેલા ફોટા પાછળ ચકલીના માળા માટે કોઈ અવકાશ નહોતો!
શહેરનું ભણતર ને પછી નોકરી, ઘણી વાર બા-બાપુજીને સાથે આવવા કહેતો. પણ એમનાથી ગામ, ખેતર, ઘર કેમે’ય કરતાં છુટતું નહિ. ઘણી વાર કહેતો પણ ખરો, “આપણે જ્યાં સાથે રહીએ એ જ આપણું ગામ ને ઘર.” બાપુજી કંઈ બોલતાં નહિ માત્ર ચકલીના ખાલી થયેલા માળાને જોતાં. આજે એવી જ રીતે સુધિરે પણ પોતાના ઘર પર નજર ફેરવી. જે મકાનને પરસેવાની કમાણીથી બનાવી અને મૃદુલાએ હેતથી સિંચીને ઘર બનાવ્યું હતું તે આજે છોડવાનું હતું. પોતે ગામમાંથી શહેરમાં અને હવે દિકરો શહેરમાંથી વિદેશમાં સ્થાયી થયો હતો. ઘરમાં પડતી નાની-નાની પગલીઓએ સમયની બહુ મોટી ફાળ ભરી હતી!
વિદેશ્માં સ્થાયી થયેલો દિકરો સુમિત ઘણી વાર કહેતો, “હવે હું અહીં સેટ છું તમે ને મમ્મી આવો. તમને ગમશે.” મૃદુલાની દિકરાને મળવાની ઇચ્છા એની આંખોમાં ઘણી વાર સુધિરે જોઈ હતી. અને એટલે જ બે વાર વિદેશ જઈ આવ્યા. પહેલી વાર જવાનું હતું ત્યારે મૃદુલાએ બહું હોંશથી બધી તૈયારીઓ કરી હતી. પોતાને માટે નવાં કપડાં, દિકરાને ભાવતાં નાસ્તા, અથાણાં, મગસ, વિદેશમાં મોંઘી મળતી દરેક દેશી વસ્તુઓ બધુ જ યાદ કરીને લીધું હતું. દિકરાને મળવા જવાનો ઉત્સાહ જોઈને લાગતું કે અત્યાર સુધી કદાચ પોતાનો વિચાર જાણવા જ મૃદુલાએ કંઈ કીધું નહિ હોય.
બા-બાપુજીના ગયા પછી એ ઘરને સાચવવા માટે સમયનો અભાવ હતો કે પછી ભાવ ખૂટી ગયો હતો ખબર નહિ પણ સમય જતાં એ ઘર સારી કિંમતે વેચાઈ ગયુ હતું. સામાન ભરવા કબાટ ખોલ્યું. એમાંથી લગભગ ભૂલાઈ ગયેલું સુમિતની પહેલી બર્થડેનું આલ્બમ હાથ લાગ્યું. આલ્બમના ફોટા ઝાંખા પડી ગયેલા, પણ એની સાથે જોડાયેલી સ્મૃતિઓ આજે’ય તાજી હતી. સુમિતના માથે હાથ ફેરવતો હોય એમ સુધિરે આલ્બમના ફોટાને હાથ ફેરવ્યો.
“હવે એની સાથે રહેવા તો જવાનું છે.”, બોલાવવા આવેલી મૃદુલાએ પ્રેમથી ખભા પર હાથ મૂક્તાં કહ્યું.
“હા.”, સુધિર એટલું જ બોલી શક્યો. અહીં યાદો નો પટારો ભર્યો છે એને બેગમાં કેમની સમાવવી. પોતાનો શરુ કરેલો સંસાર, સુમિતનો પહેલો બર્થડે, સુમિતના નાના-નાના હાથની ઘરની વસ્તુઓ પર પડેલી છાપ, સુમિતનું મુંડન, સુમિતના લગ્ન અને લગ્નના ગણેશ માંડેલા ત્યારે જાતે જ હોંશથી દોરેલા ગણેશ. સુમિતે પેન્સિલ પકડીને જે ભીત પર પહેલી વાર લખ્યું હતું તે આ જ ઘરની ભીંત હતી. ખરેખર તો આ બધી ભીંતો નહોતી, એના પરિવારને હૂંફ આપતો માળો હતો. દિકરા પાસે જવાની હોંશ હતી એટલે કે પછી એડજેસ્ટ થઈ જવું સ્ત્રીનો સ્વભાવ હોય છે એટલે, પણ મૃદુલાના ચહેરા પર ઝાઝું કંઈ કળી શકાતું નહોતું.
“લો વજન કરો બેગનું.”
સુધિરે બેગ વજન કાંટે મૂકી.
“નહીં ગમે તો પાછા આવી જઈશું. આ ઘર તો છે જ ને?”, મુદુલા સુધિરની ચિંતા પામી જતાં બોલી.
સુધિરનું હૈયું અને બેગ બન્ને હળવા થઈ ગયા!
Wow…mst
Wow…mst