સવજી ચા પીવા બેઠો. ચા રકાબીમાં કાઢીને મોઢે માંડવા જાય, ત્યાં તો ખાંસીનો એકધાર્યો હુમલો આવ્યો. રકાબીની અડધી ચા ખમીસ પર ને અડધી જમીન પર ઢોળાઈ ગઈ. ખાંસીખાસીને આંખોમાં પાણી ધસી આવ્યું. રાધા ફટાક કરતી ઊભી થઈ, પાણી લઈ આવી. પણ સવજીની ખાંસી હજી અટકી ન્હોતી.
“તમે દાક્તરને બતાવી દો. આ ખાંસી બઉ દિ’થી છ.”, રાધા પ્રેમથી બરડે હાથ પસવારતા બોલી.
“હમ્મ.”
બીજે દિવસે જ સરકારી દવાખાનાની બારી ખુલે એ પહેલાં સવજી ને એની ઘરવાળી ત્યાં પહોંચી ગયા. આવ-જા કરતી ટ્રેનથી જેમ પ્લેટફોર્મ ધમધમે એમ સવજીની ખાંસીથી એની છાતી ધમધમતી હતી. તો’ય બારી ખુલવાની રાહ જોતો સવજી બાંકડે બેસીને ટેસથી બીડીના કશ ખેંચતો હતો. જેવી બારી ખુલી કે બીડી ફેંકીને દોડતો’ક બારી પાસે પહોંચી ગયો.
“દાક્તરને બતાવું છે. નામ લખો ને.”
“નામ?”
“સવજી.”
“ઊંંમર?”
“પચ્ચી વરહ.”
“લો આ કાગળ. ડો. અનિલને મળજો.”, જરા કંટાળા ભર્યા સ્વરે કેસ પેપર આપતાં એ બોલ્યો.
“શું થાય છે?”
કંઈ બોલે એ પહેલાં જ ખાંસીના એક જોરદાર હુમલાએ જવાબ આપી દીધો.
“કેટલા દિવસથી છે? પહેલાં ક્યારેય આટલા દિવસ રહી છે ખાંસી?”
“ગણ્યું નથ પણ હશે મહિના દિ’થી. ઝીણો તાવ હોય એવું’ય લાગે. છાતી માં’ય ઝીણું ઝીણું દુઃખે છે. ક્યારેક ગભરામણ પણ થાય છે.”, એક શ્વાસે સવજી બધું જ બોલી ગયો.
“આ કાગળિયામાં લખી છે એ તપાસ કરાવી લો.”
એક્સરેની લાં…બી… લાઈનમાં સવજી ઊભો રહ્યો. સવજીને’ય ક્યાં ખબર હતી કે એની તપાસ અને સારવાર પણ આટલી જ લાંબી ચાલશે.
“ખમીસ કાઢો, સીધા ઊભા રહો.”, એક્સ-રે કાઢનાર સુચના આપતો ને સવજી ચુપચાપ અનુસરતો.
“સું થયું સે એમને?”, રાધાએ ધડકતા હ્ર્દયે પુછ્યું.
“એ તો ડોક્ટર જ કહી શકે.”
ડોક્ટરે રીપોર્ટ જોયા. કપાળ પર કરચલીયો પડી ને આંખ સહેજ ઝીણી થઈ.
સવજી રીપોર્ટ નહોતો વાંચી શકતો પણ ડોક્ટરનો ચહેરો વાંચવા લાગ્યો. ગળામાં શોષ પડ્યો ને જીભ સુકાવા લાગી. હથેળી પર પરસેવો થવા લાગ્યો. એની ચિંતા પામી ગયેલી રાધાએ એનો હાથ પકડી આંખથી જ આશ્વાસન આપ્યું.
“હજી એક તપાસ કરાવવી પડશે. પછી ચોક્ક્સ કંઈ કહી શકું.”, કરાવવાના નવા રીપોર્ટની નોંધ કરતાં ડોક્ટર બોલ્યા.
બાયોપ્સિની તપાસ થઈ, રીપોર્ટ લેતાં હવે સવજીનો હાથ ધ્રુજતો હતો.
“તમને ફેફસાંનું કેન્સર છે.”, સરળ ભાષામાં ડોક્ટરે માહિતી આપી.
“એટલે?”, રાધાએ ફાટેલા અવાજે પુછ્યું.
“એટલે બેન હવે સવજીભાઈના ફેફસાં બહુ ખરાબ થઈ ગયાં છે. આપણે સારવાર કરીશું પણ બચાવવું તો ઇશ્વરના હાથમાં છે.”
સવજી તો જાણે પથ્થરની મૂર્તિ જ બની ગયો. આંખ સામે ગામ, મા-બાપ, ભાઇબંધો, લગન, રાધાને લઈને શહેર આવેલો ને હોંશથી સંસાર વસવેલો એ બધું જ ચકરાવા લેવા લાગ્યું. ખમીસના ડાબા ખિસ્સામાં રાખેલી ‘પાંચ ફોટા’ બીડીના પાંચે ચહેરા જાણે એની મશ્કરી કરતાં હતાં. સવજી નાના બાળકની જેમ રાધાના ખભે માથું મૂકીને રડવા લાગ્યો. ડોક્ટરની કેબિનનું વાતવરણ ભારે થઈ ગયું.
“કાલે સવારે તમે જરુરી સામાન લઈ હોસ્પિટલ આવી જાઓ. દાખલ થવું પડશે. અમારાથી થતું બધું જ અમે કરીશું.”
બીજા દિવસે કેન્સર વિભાગના જનરલ વોર્ડના ખાટલા નં. ૯ પર સવજી સુતો હતો અને રાધા બાજુમાં બેઠી હતી. આજુબાજુના ખાટ્લા પાસે સગાઓની અવરજવર શરુ થઈ ગઈ હતી. રાઉન્ડમાં આવેલા ડોક્ટર અને નર્સની સુચનાઓ વોર્ડમાં પડઘાતી હતી. ‘સ્વછતા ત્યાં પ્રભુતા.’ ના લગાવેલા બોર્ડ પાસે મુકેલી કચરાપેટી પર માખીઓ બણબણતી હતી. દિવાલો પીળી ઉદાસી પહેરીને જાણે દર્દીઓની પડખે ઉભી હતી. દર્દીઓના પુછાતા પ્રશ્નોના જવાબ આપતાં વોર્ડબોયનો ચહેરો તરડાઈ જતો હતો. સુવિધાઓનો અભાવ ન્હોતો પણ સરકારી કર્મચારીઓમાં ભાવનો અભાવ ચોક્ક્સ હતો. સફેદ પલંગ, સફેદ ચાદર પર સૂતેલા લગભગ બધા દર્દીઓ સાવ ફિક્કા લાગતાં હતાં. દરેકના ચહેરા એમના રોગ અને પીડાની ચાડી ખાતા હતા.
જાત-જાતની ટ્રીટમેન્ટ અને દવાઓ. સરકારી દવાખાનું હતું એટલે બધુ મફત મળતું પણ પીડા પોતે ભોગવવી પડતી. ટ્રીટમેન્ટને અને રોગની બેવડી અસર સવજીના શરીર પર દેખાતી હતી. દિવસનો મોટાભાગનો સમય સવજી દવાઓના ઘેન અને સારવારને લીધે સૂતો રહેતો. વચ્ચે વચ્ચે આંખ ખોલી રાધાને જોઈ લેતો કે હોસ્પિટલમાંથી મળતું જમવાનું જમી લેતો. રાધા પ્રેમથી જમાડતી ને સવજીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. સવજી સૂતો હોય ત્યારે રાધા થેલામાં રાખેલા ભગવાનને રીતસર કરગરતી.
“કારે બેઠો થઈસ.” સવજી ક્યારેક પુછતો પણ ખરો.
“બસ થોડ દિ, પછી ઘેર.” રાધા નાના બાળકને સમજવતી હોય એમ બોલતી ને સવજીનો હાથ પંપાળતી, સમજાતું ન્હોતું કે એ સવજીને દિલાસો આપતી હતી કે પોતાની જાતને! સવજીનો એ પ્રશ્ન થોડા દિવસ માટે પાછો ભૂલાઈ જતો.
“કઉ સુ, આજ કંઈ ચેન નથ પડતું. અંદર હંધુય ચુંથાતું હોય એમ લાગે સ. દાક્તર આવે તો પૂસી જો ને.” એક સવારે સવજી પીડાથી કણસતાં બોલ્યો.
“ચ્ંત્યા ન કર. દાક્તર આવે એટલી વાર. પૂસી લઉં.”
“આજ બઉ દિ’ થ્યા, બીડી પીવી છ. આલને.”
“દાક્તરને કહી દઈશ.”, રાધા ડોક્ટરની બીક બતાવતાં બોલી.
“છેલ્લી વાર, તારા હમ.”, દયામણું મોઢું કરતાં સવજી બોલ્યો.
વોર્ડમાં કોઈ નર્સ નથી એની ખાત્રી કરી રાધાએ બીડી સળગાવી સવજીના મોંમાં મૂકી. બીડીના ધૂમાડાની સાથે સવજીનો જીવ પણ હવામાં ઓગળી ગયો. રાધા બીડીના સળગી રહેલા ઠુંઠાને અને સવજીના ઓલવાઈ ગયેલા શરીરને જોઈ પોક મૂકી.
Be First to Comment