“વાઉ, પથારી તો કેટલી ઠંડી છે.”, પથારીમાં પડતાં જ સ્મિત બોલ્યો.
શિખાએ બપોરે વાત કરી કે ખુલ્લા આકાશ નીચે સુવાની કેટલી મઝા આવે ત્યારથી સ્મિત જીદે ચઢેલો. એટલે જ સાંજ્થી અગાશીમાં પથારી પાથરી દીધેલી. અને રાત પડે એની રાહ જોવા લાગેલો. સ્મિત સાથે શિખાએ પણ પથારીમાં લંબાવ્યું.
“મમ્મી, આકાશ કેટલું સરસ લાગે છે નહિ? કેટલાં બધા તારા છે. મેં આ પહેલાં ક્યારેય આવું દ્રશ્ય જોયું નથી.” અંધારામાં પણ સ્મિતનો ખૂશીથી ચમકતો ચહેરો શિખા કલ્પી શકી.
“જો, આ ડોયા જેવા આકારમાં તારાઓ દેખાય છે ને એ સપ્તર્ષિ છે.”
“કેમ સપ્તર્ષિ?”
“કારણ કે એમાં સાત તારાઓ છે.”
“અને પેલો જે સૌથી વધુ ચમકે છે તે કયો તારો છે?”
“એ ધ્રુવ.”
શિખાને લાગ્યું કે આકાશમાંથી પડઘો પડ્યો, “હું ધ્રુવ.”. કોલેજમાં પહેલી વાર ધ્રુવ મળ્યો ત્યારે આવી જ રીતે પોતાની ઓળખ આપેલી.
“તેં મને ધ્રુવની વાર્તા કહેલી એ આ જ તારો ને મમ્મી?”
“હા. આ એ જ તેજસ્વિ તારલો.”
ધ્રુવ ભણવામાં અવ્વલ રહેતો. ત્યારે શિખા એને ‘તેજસ્વિ તારલો’ કહીને ચિડવતી.
“અત્યારે એ તેજસ્વિ તારાલો ક્યા આકાશમાં ચમકતો હશે કોને ખબર.”, શિખા મનોમન વિચારી રહી.
“એણે તો જંગલમાં ઉભા રહીને એક પગે ભગવાનને પ્રાર્થના કરી હતીને?”
“હા.”
ધ્રુવ ઘણી વાર કોલેજના મેદાનમાં આવેલા પારિજાતનાં ઝાડ પાસે રાહ જોતો.
મજાકમાં કહેતો પણ ખરો, “તારા માટે ક્યારનો એક પગે ઉભો છું. તેં છેક હવે દર્શન આપ્યા.”
ચૂપ થયેલી મમ્મીને ઢ્ંઢોળતાં સ્મિત બોલ્યો, “મમ્મી બીજા તારા બતાવ ને.”
“હં.”
“મમ્મી મને તો લાગ્યું કે તું ધ્રુવની પાસે પહોંચી ગઈ.”
સ્મિતની વાત સાંભળીને શિખા હસી પડી. આંખના ખૂણે ધ્રુવના તારા જેવું કંઇક ચમક્યું!
Short and sweet! Emotions reflected beautifully…