નરેશ રાજ્ય કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો. સ્ટેજ પર ઇનામ લેવા ઊભો થયો ત્યારે નરેશ, નરેશના પિતા અને સરલાબહેનની આંખો ભીની હતી.
નરેશ એટલે એક વખતનો નરિયો. પણ છેલ્લા બે વર્ષમાં એના રિઝલ્ટ, વાણી, વર્તન અને સ્કૂલમાં કરાતાં તોફાનોથી એ નરેશમાંથી નરિયો બની ગયો હતો. હવે વર્ગની અંદર કરતાં બહાર વધારે સમય રહેતો. ને મોટેભાગે તો સ્કૂલની પણ બહાર. જે દિવસે સ્કૂલમાં ગાપચી મારતો ત્યારે ગામથી દૂર આવેલાં શિવ મંદિરમાં જઈ સૂનમૂન બેસતો. ને સ્કૂલનો સમય પુરો થતાં પાછો ઘરે.
“રોલ નં ૩૦.”, વર્ગમાં બે વાર બોલાયું, પણ સામે જવાબ પડઘાયો નહિ.
નરિયો નથી આવ્યો?
“ના, સાહેબ.”
સાહેબ આગળ હાજરી પુરી ભણાવવા લાગતાં. આવું ઘણી વાર બનતું. હવે સાહેબો માટે પણ આ જાણે દરરોજની ઘટના હતી. નરિયાના ઘરે વારે વારે સ્કૂલમાંથી ફરિયાદ જતી. નરિયો બે દિવસ સ્કૂલે આવતો અને પાછો ગાપચી મારવા લાગતો. નરિયાના બપા પણ હવે કંટાળી ગયા હતાં.
શિક્ષક તરીકે નવા આવેલાં સરલાબેહેને ઘણી વાર નરેશને વર્ગની બહાર જોયો હતો. પણ એ વર્ગમાં એ જતાં નહિ એટલે ઝાઝું જાણતાં નહિ. હા, સ્ટાફરુમમાં એના વિશે થતી વાતોના આધારે થોડું ઘણું જાણવા મળ્યું હતું. ધીમે-ધીમે એમણે નરેશમાં રસ લેવા માંડ્યો. એના વિશે માહિતી મેળવવા માંડી.
નરિયો પગ વાળીને માથું ઢિંચણ પણ મુકીને વર્ગની બહાર બેઠો હતો. આંખો ચપોચપ બંધ હતી. વર્ગમાં થયેલી હસાહસ અને મોટેથી બોલાયેલા સાહેબના, ‘તું ડફોળ છે, ડફોળ.’, એ શબ્દો મગજમાં ઘુમરાયા કરતાં હતાં. મનમાં લાગ્યું કે આજે’ય સ્કુલે ન આવ્યો હોત તો સારું હોત. ગાલ આજે પણ ગણિતના આલેખની જગ્યાએ આંસુના આલેખથી ચિતરાયેલા હતાં.
આજે સરલાબેહેને તક ઝડપી લીધી.
“બેટા નરેશ. શું થયું? કેમ આમ અહીં બેઠો છે?”, એક પ્રેમાળ હાથ માથા પર ફર્યો.
પહેલાં તો નરેશ નામ સાંભળવાની જાણે આદત જ રહી ન હોય એમ નામ બીજા કોઈનું જ લાગ્યું. નરિયા જેવા તોછડા નામથી ટેવાયેલા નરેશને નવાઈ લાગી.
“કંઈ નહિ.”, ઊંચુ જોયા વગર જ નરેશે જવાબ આપ્યો.
“તું મને કહી શકે બેટા. હું બીજા કોઈને તારી વાત નહિ કહું. હું તારી મા જેવી જ છું.”
મા જેવી સાંભળતાં જ નરેશ સરલાબેનના ખોળામાં માંથું મુકીને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો.
માની, માના મૃત્યુની, ભણવાની, પરિણામની, વર્ગમાં થતા ઉપેક્ષિત વર્તનની બધી વાતો સરલાબહેને શાંતિથી સાંભળી.
બે વર્ષ પહેલાં ટુંકી બિમારીમાં માના અવસાનથી નરેશને આઘાત લાગ્યો હતો. સતત માનો પીડાભર્યો ચહેરો આંખ સામે તરવર્યા કરતો. ભણવામાં પણ મન લાગતું નહિ. એની અસર સીધી પરિણામ પર થતી. પરિણામ ઓછું આવતાં બાપ ખૂબ મારતો. ભણવા બેસે ત્યારે ‘ડફોળ છે..તું ડફોળ..’ પડઘાય કરતું. અને હવે ભણવાની, પરીક્ષાની કે પરિણામની વાત વિચારીને જ મન આળુ થઈ જતું. વધારામાં શિક્ષકો દ્વારા થતું અપમાન અને સાથી મિત્રોની મજાક બળતામાં ઘી હોમતું. જાત પરથી, ઈશ્વર પરથી જાણે વિશ્વાસ ઊઠી ગયો હતો. માંડ દસ-અગિયાર વર્ષના બાળકની નાજુક મનઃસ્થિતિ પર કેટલો ભાર હતો જે તે દિવસે હળવો થઈ ગયો હતો.
“બધું બરોબર થઈ જશે. બસ તું નિયમિત સ્કૂલે આવવાનું શરું કર.”, સરલાબહેનના આ શબ્દો પર વિશ્વાસ રાખીને નરેશ દરરોજ સ્કૂલે આવતો થયો.
સરલાબેને બધી વાત બીજા શિક્ષકોને પણ કરી. અને સૌ શિક્ષકોની મદદથી નરેશનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. ધીમે-ધીમે એનું પરિણામ, સ્વભાવ બધું રાગે પડ્યું. અને એ બધાના પરિણામે જ આજે નરેશ સ્ટેજ પર પોતાનું ઈનામ લેવા ઊભો હતો. સરલાબેન દ્વારા ‘નરિયા’ની થયેલી કોમળ માવજતથી જ એ ફરી ‘નરેશ’ બની શક્યો.
Published in Pankh Magazine (July 2020)
ખૂબ સુંદર વાર્તા છે. દરેક માબાપે અને શિક્ષે બાળક માટે સરલાબેન જેમ કરવું જોઈએ.
સરસ લઘુકથા…
પ્રેરણાદાયી વાર્તા.