શિખા ચાનો કપ લઈ બાલ્કનીમાં આવી હિંચકે ગોઠવાઈ. સાંજ ઊતરી આવી હતી અને એમાં પણ ચોમાસાના દિવસો હતાં એટલે કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું. ધીમો પવન બાલક્નીમાં રાખેલા કૂંડાના છોડને અને શિખાની લટોને એક સરખી રીતે હલાવી રહ્યો હતો. રુમમાં વાગી રહેલું ‘યે શામ મસ્તાની મદહોશ કીએ જાય..’ જાણે સાંજને વધુ આહ્લાદક બનાવતું હતું.
શિખાને લાગ્યું કે એ ક્ષણ પાછી મળી છે. જ્યારે એ ને શિરીષ આમ જ બાલ્કનીમાં હિંચકે બેસીને ચા પીતા અને શિરીષ આ ગીત મોટા અવાજે લલકારતો. એ ગાતો ત્યારે ખબર જ ન રહે કે ધીમો પવન આહ્લાદક છે કે પછી શિરીષનું ગાવું.
“તને ખબર છે આ કયું ઝાડ છે?”
“ના.”
“શિરીષનું. હું એક વર્ષનો થયો ત્યારે આ વૃક્ષ મારા હાથે જ મારા પિતાએ રોપાવ્યું હતું. એક લાલ ફૂલ વાળું ને એક સફેદ ફૂલ વાળું. પછી દર વર્ષે જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો ક્રમ થઈ ગયો.”
“પણ ઝાડ એટલું મજબુત નથી લાગતું.”
“હા. મોટા વાવાઝોડા સામે કદાચ ટકી ન શ્કે પણ નાના-નાના ઝંઝાવાતો સામે તો અડીખમ ઊભું રહે એમ છે.”
તે દિવસે લગ્ન પછી પહેલી વાર શિખાએ શિરીષના ચહેરા પર ઉદાસી જોઈ હતી. માતા-પિતાના મૃત્યુ પછી એકલા પડી ગયેલા શિરીષ માટે આ ઘર અને દર જન્મદિવસે વાવેલા વૃક્ષો જ સાથી હતા. કદાચ એટલે જ એને પ્રકૃતિ સાથે આટ્લો લગાવ હતો.
“આ વૃક્ષનું બહુ જાડું નહિ એવું થડ, સુંવળા ફૂલ, બીજ, મૂળ, પાંદડા, છાલ બધુ જ આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાય છે. એ જીવે છે ત્યારે પણ અને પડી જાય પછી પણ. મારી એવી જ ઇચ્છા છે કે જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારા શક્ય એટલા અંગો હું દાન કરું. હું મારા નામને સાર્થક કરું.”
“હા, વિચાર તો સારો છે. પણ હજી આપણે સાથે ઘણું જીવવાનું છે.”, કહીને શિખા એને વળગી પડી હતી.
“અરે તું ચિંતા શું કામ કરે છે. હું કદચ મૃત્યુ પામું તો આ સામે ઊભેલો શિરીષતો છે જ ને!”, શિરીષ હળવા સ્વરમાં બોલ્યો હતો.
જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો. બાગના વૃક્ષો પવનથી અથડાઈને વિચિત્ર અવાજ કરતા હતાં. શિખા રુમમાં આવી. શિખાને લાગ્યું કે જાણે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આવી જ એક વરસાદી સાંજે ફોન પર સમાચાર મળ્યા હતા, “તમારા પતિને અકસ્માત થયો છે. જલ્દી આવી જાઓ.”
“વધારે તો નહિ વાગ્યું હોય ને? કેવી રીતે એક્સિડન્ટ થયો હશે? કોણે હોસ્પિટલ પહોંચાડ્યો હશે?”, રિક્ષામાં હોસ્પિટલ પહોંચતાં તો કેટલાય પ્રશ્નો મનને ઘેરી વળ્યા હતાં. આખા રસ્તે મન ભગવાનનું સ્મરણ કરતું હતું અને દિલને આશ્વાસન આપતું હતું કે કંઈ વધારે નહિ થયું હોય.
હોસ્પિટલમાં પહોંચી ત્યારે શિરીષ આઈ.સી.યુ.માં હતો. માથા પર બાંધેલો પાટો પેલા લાલ શિરીષના ફૂલો જેવો લાગતો હતો. ડોક્ટરે ચોવીસ કલાક રાહ જોવાનું કહેલું. પણ માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે એ બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. ત્યારે શિખાનો ચહેરો સફેદ ફૂલો જેવો ફિક્કો પડી ગયો હતો. શિરીષની ઇચ્છા મુજબ એના શકય એટલા અંગો દાનમાં અપાયાં. શિરીષ બીજા લોકોને જીવન આપતો ગયો હતો પણ પોતાનું આખું જીવન બદલાઈ ગયું હતું. ક્યારેક આખી સાંજ બાલ્કનીમાં બેસીને શિરીષના ઝાડને જોયા કરતી. બાગમાં પાણી રેડતાં શિરીષના વૃક્ષને પંપાળતી ને એનો ભેજ આંખો સુધી પહોંચતો. શિરીષના જન્મદિવસે અને હવે એના મૃત્યુ દિવસે પણ વૃક્ષ વાવવાનો ક્રમ શિખાએ જાળવ્યો હતો.
બહાર વૃક્ષ ધરાશયી થવાનો અવાજ આવ્યો ને શિખાના પેટમાં ફાળ પડી!
બહુ જ સરસ પણ ગમગીન કરે એવી ટૂંકી વાર્તા. આભાર.
ખુબ જ સરસ મનમોહક,,મનભાવક, હ્દય સ્પ્રશી વાતાઁ,