ગઈકાલે જ્યાં મોટામોટા લોકોની ચહલ પહલ હતી ત્યાં આજે ‘ક્રાઈમ સીન, ડુ નોટ ક્રોસ’ની પીળા રંગની મોટી પટ્ટી લાગાવેલી હતી. ઘરમાં ફોરેન્સિક ટીમ અને પોલીસની અવર જવર હતી. પલંગ પરની ચાદર લોહીથી ખરડાયેલી હતી. રુમની વસ્તુઓ વીખરાયેલી હતી. કબાટ મગરના મોઢાંની જેમ ખુલ્લાં પડ્યા હતાં. જ્યાંથી સુમંતરાયની લાશ મળી હતી તે જગ્યાને માર્ક કરીને રખાયેલી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ હતી. એક ફોટોગ્રાફર રુમની દરેક વસ્તુના જુદા-જુદા એંગલથી ફોટા પાડી રહ્યો હતો. ફોરેન્સિક ટીમ દરેક શંકાસ્પદ વસ્તુઓ ભેગી કરવામાં રોકાયેલી હતી.
ઘરના બન્ને નોકરો ફફડી રહ્યાં હતાં. ઘરમાં સતત એમની જ હાજરી હોય છે એટલે પહેલો શક અને પહેલી પૂછપરછ પોતાની જ થશે એ નક્કી હતું.
“તમે કેટલા સમયથી અહીં કામ કરો છો?”
“દસ વર્ષ.”
“સુમંતરાયની સાથે બીજુ કોઈ રહેતું હતું?”
“ના. એ એકલા જ હતા. કોઈ સગાની પર ક્યારેય અવર જવર જોઈ નથી. બિઝનેસ માટે લોકો આવતા એ જ. બાકી તો એમનો સ્ટાફ જ એમનો પરિવાર.”
સુમંતરાયના હત્યાના સમાચાર વાયુવેગે બિઝનેસ જગતમાં ફેલાઈ ગયા હતા. જાતજાતની અટકળો ચાલી રહી હતી. સુમંતરાય છેલ્લા વીસ વર્ષથી શહેરમાં રહેતા હતા અને વિઝનેસ જમાવ્યો હતો. જોકે વીસ વર્ષ પહેલાંના સુમંતરાય વિશે કોઈ જાણતું ન હતું. સ્ટાફ મેમ્બર્સની પણ પૂછપરછ શરુ થઈ. પણ બધાનું તારણ એક જ – સુમંતરાય સારા માણસ હતા અને વીસ વર્ષ પહેલાંની જિંદગી વિશે કોઈ માહિતી નથી.
હત્યા માટે વપરાયેલા ચાકૂ પરના નિશાન સંદિગ્ધ હત્યારાઓ સાથે અને ગુનેગારો સાથે મેચ કર્યા. પણ એમાં પણ કોઈ પરિણામ હાથ લાગ્યું નહિ. સુમંતરાયના ફોન કોલ્સ પણ ચેક કરાયા. એમાં પણ કંઈ શંકાશ્પદ નહોતું. પોલીસ માટે દિવસે દિવસે કેસ વધુ ગુંચવાતો જતો હતો.
ઘર, ઓફિસની નવેસરથી તપાસ શરુ કરી. ઝીણામાંઝીણી વસ્તુઓ ચકાસવામાં આવી. ક્યાંકથી કોઈ પગેરું મળે તો ગુનેગાર અને એના કારણ સુધી પહોંચી શકાય. છેવટે સુમંતરાયના બેંકના લોકરો, બેંક સ્ટેટમેન્ટસની ચકાસણની શરુ થઈ. આખરે કેટલાક ફોટા અને દસ્તાવેજો હાથ લાગ્યા. કેટલાક ફોટામાં સુમંતરાય એક કદરુપી કહી શકાય એવી સ્ત્રી સાથે હતાં. ફોટા પરથી બન્ને નવપરિણીત હોય એમ લાગતું હતું. બીજા ફોટામાં એક વડીલ કહી શકાય એવા વ્યક્તિ હતા. પ્રોપર્ટીના દસ્તાવેજોની નકલો પર સુમિત શાહનું નામ હતું. ફોટાની પાછળ પ્રકાશ સ્ટુડિયો, ઉત્તરપ્રદેશ ઝાંખા અક્ષરોમાં વંચાતું હતું. લોકરમાંથી સુમંતરાયનો એક નવો ચહેરો અને નવું નામ બહાર આવ્યાં.
તપાસ હવે નવા નામ માટે નવેસરથી કરવાની હતી. હવે ફોટોને આધારે એક ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ અને બને એટલી માહિતી એકઠી કરવામાં લાગી. એક પછી એક ચોંકાવનારા સત્યો બહાર આવવા લાગ્યા. સુમંતરાયના મૃત્યુથી જેને પણ દુઃખ થયું હતું એ બધા કહેવાતા સુમંતરાય પર ફીટકાર વરસાવી રહ્યાં હતાં. ગામ લોકો પાસેથી સુમન શાહ, પત્ની, અને સુમન શાહના સસરા વિશે ઘણી માહિતી મળી હતી. પૈસા માટે એમણે સસરા અને ગર્ભવતી પત્નીને દગો આપ્યો હતો ને એ ગુનાને છુપાવવા એક નવી જ દુનિયા ઊભી કરી હતી. જેનો આજે પર્દાફાશ થયો.
હવે પોલીસ માટે ગુનેગાર અને એનો આશય બન્ને સ્પષ્ટ હતાં.
મૂકી રાખેલા માના અસ્થિકળશને માથું લગાવી દીકરાએ નદીમાં અસ્થિવિસર્જન કર્યું ને પગ પોલીસ સ્ટેશન તરફ વળ્યા.
ખુબ સરસ 👌🏻
Wahh Sunder rajuat .