“સા..ડીઈઈઈ….આપવાની….જૂની સાડી આપવાની…ઝરીવાળી…સોના ચાંદીના તારવાળી..સાડી આપવાની….”, એક લાંબો લહેકો પોળમાં પડઘાયો. બપોરની શાંતિમાં રાધાએ એની બૂમનું થીગડું માર્યું. પોળમાં એક-બે કૂતરાં વચ્ચોવચ આડા પડ્યાં હતા તે જાણીતો ચહેરો જોઈ પાછા આંખ મીંચી સૂઈ ગયાં.
તડકો ખસ્સો હતો ને પાણીની તરસ લાગી હતી. પણ એકે બારણું ખૂલે એમ લાગતું નહોતું. ગીરજાબાના ઘરના ઓટલાની જાળી અધખુલી હતી, પણ ખૂલ્લું રહેતુ બારણું આજે બંધ હતું. સહેજ ધક્કો મારી જાળી ખોલી. સાડીઓનું મોટુંમસ પોટલું ઓટલા પર ઉતાર્યું. સાડીથી પરસેવો લુછ્યો ને ઓટલે ગોઠવાઈ. ઉનાળાની બપોર હતી એટલે બારણાં બંધ હતાં. બાકી, શિયાળામાં અડધી પોળ બપોરનો તડકો ખાવા ને તડાકા મારવા અહીં ઓટલે જ ગોઠવાઈ હોય.
રાધા અઠવાડિયામાં બે દિવસ અચૂક આવે. કેટલી’યે જગ્યાએ થીંગડા મારેલી સાડી, ઘસાઈ ગયેલો બ્લાઉઝ ને કસીને બાંધેલો અંબોડો. કપડાં ઘસાયેલાં પણ ચહેરા પરનું સ્મિત આખુ હોય. પોળમાં બધાને નામથી ઓળખે ને બોલાવે. પોળમાં એ ગીરજાબાના ઓટલે જ થાક ઉતારવા બેસે. ગીરજાબાને રાધા પર હેત. રાધા આવવાની હોય એ દિવસે થોડું ખાવાનું એના માટે રાખે. રાધા ખાય ત્યારે જોડે બેસે ને વાતો’ય કરે. ક્યારેક રાધાના ધણીની તો ક્યારેક છોકરાંની. રાધા’ય વાતો કરીને હળવી થાય. ગીરજાબા એકલા જ હતાં. બાળકો થાય એ પહેલાં તો વિધવા થયેલાં. શરીર પરની કરચલીઓ એમની ઉંમરની ચાડી ખાતી હતી. પણ બોખું મોં કાયમ હસતું હોય. ઓટલે સાધુ આવે તો એને’ય આવકાર મળે ને રાધા જેવી ને’ય બોલાવે.
આણામાં લાવેલી કે પછી વરે છાનામાના લાવી આપેલી બધી સાડીઓ પટારામાં રાખેલી. વરસે એકાદ વખત ગીરજાબા રાધાને જૂની ઝરીવાળી કે તારવાળી સાડી વેચતાં ને એમ કરતાં પટારો ખાલી કરતાં. સાડી આપતાં ત્યારે સાડી પર પ્રેમથી હાથ ફેરવતાં ને જૂની યાદોમાં ખોવાઈ જતાં.
“આ સાડી એ ખાસ મારા માટે જ લાવેલાં. મને આ રંગ બહુ ગમતો એટલે. એનું પોત તો એટલું કૂણું કે પહેરો તો વજન જ ન લાગે. એ વખતે એના પૂરા પંદર રુપિયા આપેલા એમણે.”, આવું કહેતાં ત્યારે એમની સફેદ સાડી જાણે પ્રેમના રંગથી રંગાઈ જતી.
રંગબેરંગી સાડી જોઈ પોતાના થીગડાં વાળી સાડી પર અનાયાસે રાધાનો હાથ ફરતો.
“અલી નસીબદાર છે તે થીગડાંવાળુ પણ જાડું પોત છે તારે. આ અમારા જેવાને તો કંતાયેલું પોત મળ્યુ. પહેરીએ ન પહેરીએ ત્યાં તો ચીરાઈ ગયું.”, ગીરજાબા નિસાસો નાંખતાં ને રાધાને આશ્વાસન પણ આપતાં.
આજે ગીરજાબાના ઓટલે બેસીને બધુ યાદ આવતું હતું. ત્યાં તો બારણું ખૂલ્યું.
“કોણ છે ખરા બપોરે?”
“એ તો હું રાધા, જુની સાડીઓ લેવાવાળી. જરા પોરો ખાવ બેઠેલી.”, રાધાએ ટૂંકમાં ઓળખાણ આપી.
“તે આ જ ઓટલો મળ્યો તને? જે આવે તે આ ઓટલે બેસી જાય છે.”, તોછડો અવાજ સાંભળી રાધા જરા છોભીલી પડી ગઈ. હવે પાણી માંગવાનો તો સવાલ જ નહોતો. જ્યાં પહેલાં ખાવા મળતું હતું એ ઓટલે હવે બેસવાનું કઠયુ.
“ઊભી રે. એક જૂની સાડી છે. લાવું.”, રાધા પોટલું ઉપાડવા જતી હતી તે ઊભી રહી.
“લે, જો. કેટલા આપીશ?”
“બા, તમારું પોત તો બહુ પાતળુ છે.”, રાધાએ આખી સાડી ચકાસતાં કહ્યું.
“લે તે નવી નક્કોર સાડી થોડી હોય? તેં જ તો કહ્યું કે જૂની સાડીઓ લેવાવાળી છે.”
“હા બા. પણ જૂની ઝરીવાળી કે સોનાચાંદીના તાર વાળી હોય એ. આવી જૂની નઈ.”, પોટલું લઈ રાધાએ ચાલવા માંડ્યુ.
જાળી પછડાઈને બંધ થઈ એનો અવાજ રાધાની પીઠમાં અથડાયો.
ગીરજાબા ગયા ને એમની સાથે પોળનું એક ઘર ઓછું થયું હોય એમ લાગ્યું.
હૃદય સ્પર્શી👌👌
Heart touching story. Depicts every shade of affection.
પોળનું જીવન, જુની સાડીઓ લેનારા….. આ બધું ભુલાયેલું યાદ કરાવ્યું 😊 ખુબ જ હ્રદય સ્પર્શી અને ધારદાર વાર્તા ….🙌🏻
👌👌👌