“તું રહેવા દે દાદી. તને ખબર નહીં પડે.”, દસ વર્ષના રોહને વિડિયો ગેમનું રિમોટ ખૂંચવી લેતાં કહ્યું.
દાદી ફિક્કું હસી. કંઈક શીખવાની તક ફરી કોઈએ ઝૂંટવી લીધી હોય એમ લાગ્યું. આ ઘરની ત્રીજી પેઢી પણ એ જ શબ્દો બોલતાં શીખી ગઈ જે એ લગ્ન કરીને આવી ત્યારથી સાંભળતા આવી હતી. ‘તને ખબર નહીં પડે.’, એ જાણે આ ઘરનો તકિયા કલામ હતો એના માટે. એ વાતની એને બરાબર ખબર પડી ગઈ હતી. શાંતિભંગ ન થાય એટલે વિરોધ ન કરતી. પણ બહારની શાંતિ સાચવવામાં અંદર ઘમાસાણ યુધ્ધ ચાલતું. ‘શીખશે નહીં તો કેમ ખબર પડશે?’ એ સવાલ વારંવાર થતો અને ઘરની ભીંતો સાથે અથડાઈને પાછો ફરતો.
“શીખેલું ક્યારેય નકામું નથી જતું. દરરોજ કંઈક નવું શીખવું.”, મા ઘણી વાર આવું કહેતી એવું યાદ આવતું. પણ આ વાત બધે નથી ચાલતી એવું પણ લાગતું.
“રહેવા દે. તને નહિ ફાવે. હું કરી લઈશ.”, રોટલી કરતાં ગેસની ઝોળ લાગે એના કરતા’ય વધારે આ શબ્દોની ઝોળ લાગતી.
કદાચ મા હોત તો ઉત્સાહથી કહેત, “નથી આવડતું તો કંઈ વાંધો નહીં. હું છું ને, શીખવાડીશ.”
સરનામાની સાથે ઘણું બધું બદલાયું હતું. પછી તો જાણે આ શબ્દો દિવસમાં એક-બે વાર તો અચુક સાંભળવા મળતાં. કશું નવું શીખવાનો ઉત્સાહ થતો. અને તક મળે પૂરો પણ કરી લેતી. પણ પછી તો ધીમે-ધીમે જવાબદારીઓ વધતી ગઈ અને અવકાશ ઓછો થતો ગયો.
“મારે ટુવ્હીલર શીખવું છે.”, એક વાર બહુ હિંમત કરીને પતિને કહેલું.
“તારે ટુવ્હીલર શીખીને શું કામ છે. શાકવાળો પણ ઘરના દરવાજે આવે છે. અને ક્યાંક જવું હોય તો કાર અને ડ્રાઈવર પણ છે ને.”
પતિ સાથે કારમાં જતી ત્યારે બાજુમાંથી પસાર થતી કારમાં જો કોઈ સ્ત્રી હોય તો આહોભાવ થતો એના માટે. ઈર્ષા પણ થતી. પોતાની જાતને રેરવ્યુના મિરરમાં જોતી ને લાગતું કે પોતે ઘણી પાછળ રહી ગઈ છે દુનિયાથી. શીખવા ઈછ્તી વસ્તુઓ ન શીખી શકવાનો કચવાટ હંમેશાં મનમાં રહેતો.
“દાદી, આજે તું મારી સાથે ફનફેરમાં આવીશ? મારા ફ્રેન્ડસ જવાના છે અને આજે મમ્મી-પપ્પા છે નહીં મને લઈ જવા માટે.”
“હા, હું તો લઈ જઈશ પણ તને મઝા આવશે મારી સાથે?”
“હા. અને તારે મને લઈ જવાનો જ છે. પછી તો ત્યાં મારા ફ્રેન્ડઝ હશે. અને બધી રાઈડસ પણ. એટલે મજા જ આવશે ને!”
ફનફેરમાં ઘણી બધી રાઈડ્સ હતી, ખાણીપીણીના સ્ટોલ હતાં, અવનવા શૉ હતાં. જાણે બાળકો માટેની જાદુઈ દુનિયા જ જોઈ લો! પાછો ક્યાં આવશે એ જગ્યા બતાવીને રોહન તો જાદુઈ દુનિયામાં ગાયબ થઈ ગયો. દાદીએ ફરતાં-ફરતાં એ અજાયબ દુનિયામાં ફરવાનું શરુ કર્યું.
એક ખૂણામાંથી ચિચિયારીઓ સંભળાતી હતી. થોડું મોટેથી ગીત વાગતું હતું. કૂતૂહલપૂર્વક પગ એ તરફ વળ્યા. મોટી જગ્યામાં એક વ્યક્તિ બેસી શકે એવી નાની આઠ દસ કાર હતી. કારમાં બેઠેલાં સૌ સ્ટીયરીંગથી કાર ફેરવતાં હતાં અને એકબીજા સાથે અથડાતાં હતાં. આજુ બાજુમાં ઉભેલાં, સાથે આવેલાં લોકો હાથ હલાવી ખૂશ થતાં હતાં અને ફોટો પાડતાં હતાં.
ટિકીટબારી પરથી ટિકીટ લીધી. વારો આવ્યો એટલે સાચે જ કાર ચલાવવાની હોય એમ કારમાં બેઠા. પહેલી વખત સ્ટીયરીંગ પર હાથ મૂક્યો અને આખા શરીરમાં રોમંચ ફરી વળ્યો! સીટબેલ્ટ બાંધ્યો અને ગીત શરુ થયું. આવ અજાણ્યા લોકો સાથે અથડાવવાનો આનંદ લીધો. ત્રણ-ચાર વાર ડેશીગ કારનો અનુભવ કર્યો. ધીમે-ધીમે કોઈ જુદી જ દુનિયામાં પ્રવેશ મેળવી લીધો હોય એમ લાગ્યું.
સ્ટીયરીંગ હાથમાં લેવાનો આનંદ ચહેરા પર પ્રતિબિંબિત થતો હતો. બાનો ચહેરો ચમકતો જોઈ રોહનને નવાઈ લાગી!
ખૂબજ સુંદર વાત છે.
Very fine
Wonderful emotional expression! 💖👌
સંવેદનનું સરસ આલેખન..
ખૂબ જ સુંદર આલેખન . ….
ટુંકી પ્રસ્તુતિ માં સ્ત્રી ની ધરબાયેલી ઈચ્છા ને ખુબ સારી અને ચોટદાર રીતે વણી લીધી છે….