એક મોટી ચીસથી મરીયમનગરની ચાલ ધ્રૂજી ઊઠી.
રફીક પોતાના કપાયેલાં હાથને બીજા હાથથી પકડીને બૂમો પાડી રહ્યો હતો. રફીકની પાસે જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. રફીયા ખૂણામાં પડી હતી અને તેના મોંઢામાંથી લોહી નીકળતું હતું. દસ વર્ષનો મુસ્તાક અમ્મીને બાઝીને રડી રહ્યો હતો. લોહીથી ખરડાયેલો મોટો છરો મુસ્તાક પાસે પડ્યો હતો. ચીસ સાંભળીને પાસપડોસના લોકો આવી ગયા.
“ક્યા હુઆ રફીયા?”, મોટાભાગે દરરોજ રફીયાની બૂમો સંભાળાતી એટલે આજે પણ સવાલ રફીયાને જ પુછાયો.
“રફીક તુમારી યે હાલત કીસને કી?”, બે જણા રફીકને પકડીને પલંગ પર બેસાડ્યો અને વહેતું લોહી રોકવા રફીયાનો દુપટ્ટો કપાયેલા હાથ પર બાંધવા લાગ્યા.
“જલ્દી ઉસકો ડૉક્ટર કે પાસ લે જાઓ.”, ટોળામાંથી કોઈ બોલ્યું અને બે જણે રફીકને બાવડેથી પકડ્યો. રફીકને પકડ્યો હોવા છતાં એ પોતાનું સમતોલન જાળવી શકતો નહોતો.
“પિયક્કડ કહીંકા.”, ટોળામાંથી એક તુચ્છકાર રફીકના કાને અથડાયો. નશાની હાલત અને એમાં’ય કપાયેલા હાથની પીડા હોવા છતાં એક તીખી નજર એણે ટોળા તરફ ફેંકી.
“ક્યા હુઆ રફીયા ઓર રફીકકી યે હાલત કીસને કી?”
“મેંને કી.”, ગુસ્સાથી ધ્રૂજતા સ્વરે મુસ્તાક બોલ્યો.
“ક્યા હુઆ મુસ્તાક? તુ તો અચ્છા બચ્ચા હૈ. તુને એસા ક્યું કીયા?”, મુમતાઝ તેની પાસે આવીને પુછવા લાગી.
“મેં અચ્છા બચ્ચા થા. અબ નહીં હું.”
“એસા નહીં કહતે. અલ્લાહ સબ સહી કરતા હૈ.”, મુમ્તાઝને પણ લાગ્યું કે આ શબ્દો બોલવામાં કે સાંભળવામાં જ સારા લાગે. બાકી જેના પર વીતે એ જ જાણે.
મરીયમ નગરની ચાલનો સાવ બગડેલો માણસ એટલે રફીક. ના નમાઝ પઢવાની, ના અલ્લાહથી ડરવાનું. રોજ સાંજે દેશી દારુ પીવાનો અને રફીયાને મારવાનું. આઠ-આઠ વર્ષથી આ રોજનો ક્રમ થઈ ગયેલો. ચાલમાં ચીસો સંભળાતી એટલે સૌ સમજી જતાં કે આજે રફીયાનું આવી બન્યું હશે. શરુઆતમાં સૌ સમજાવવા પણ જતાં. પણ રફીકનું બદલાયેલું વલણ જોઈ લોકોએ વચ્ચે પડવાનું બંધ કરી દીધું. શાદી થઈ અને મુસ્તાક આવ્યો ત્યાં સુધી રફીક સાવ સીધો માણસ હતો. બસ દુકાને આવતાં એક-બે લોકોની સંગત લાગી ને રફીક બદલાવવા લાગ્યો. જલદી અમીર બની જવાની લાલચમાં જુગારની લતે ચઢ્યો. જુગારની હાર એને દારુના દાવાનળમાં ખેંચી ગઈ. અને ધીમે-ધીમે ઘર એમાં સળગવા લાગ્યું. ધંધામાં ચીકન-મટનનીં દુકાન હતી. પણ સ્વભાવે ક્રુર નહીં. પૈસાની લાલચ અને કુસંગત એને અંદરથી ખતમ કરવા લાગી. સાત વર્ષના મુસ્તાકને ભણવામાંથી ઊઠાડી લીધો ને દુકાને પરાણે કામે લગાડી દીધો. રફીયાએ ઘણું સમજાવ્યો પણ મુસ્તાકને મારી નાખવાની ધમકી આપીને રફીયાને ચૂપ કરી દીધી.
“અમ્મા, દુકાનમેં જબ લટકાયે હુએ બકરે દેખતા હું તો મુઝે મેરી સ્કુલકી ખૂંટીપે લટકતી બેગ નજર આતી હૈ. મુઝે પઢના હૈ. અબ્બાસે બાત કરો ના.”, એક દિવસ વિનંતીભર્યા સ્વરે મુસ્તાકે કહ્યું.
“ચુપ હો જા મેરે બચ્ચે. અબ્બાકો પતા ચલેગા તો મુઝે ઔર તુઝે ઉસી ચાકૂ સે કાટ ડાલેંગે.”
“મા સ્કુલમેં સિખાતે હૈ ‘અન્યાય કરના ઔર સહેના દોનો ગુન્હા હૈ.’ ક્યા વો સબ સિર્ફ કિતાબી બાતેં હૈ?”
“મુઝે વો સબ નહીં પતા. બસ ઈતના પતા હૈ કી તુમે અબ દુકાન જાના પડેગા. પઢાઈકી બાત તુ ભૂલ જા.”
“મેરે બચ્ચેકો મેરે ખિલાફ ભડકાતી હૈ.”, દારુ પીધેલી હાલતમાં બારણે આવેલા રફીકે જુસ્સાથી રફીયાના મોઢા પર મુક્કો માર્યો.
રફીયાના મોંઢામાંથી લોહી નીકળ્યુ. માને બચાવવા જતાં એક જોરદાર તમાચો મુસ્તાકના ગાલ પર પડ્યો. આજે સહનશક્તિની હદ આવી ગઈ. મુસ્તાક રસોડામંથી મટન કાપવાનો છરો લઈ આવ્યો અને આંખના પલકારામાં રફીકના હાથને કાપી નાખ્યો..’ખ….ચ્ચા…ક….’!
ખુબ સરસ…. અને હ્રદય દ્રાવક વાર્તા