આખું શરીર દુખવા લાગ્યું. હાથ પગ ખેંચાવા લાગ્યા. કરોડરજ્જુમાં ટચાકા બોલવા લાગ્યા. જાણે ઈયળ અમળાઈને કોશેટોમાંથી બહાર નીકળે ને પતંગિયું થાય એમ એનું શરીર અમળાવા લાગ્યું. ધીમે-ધીમે હાથ, પગ, ડોક લાંબા થવા લાગ્યા. લાગ્યું કે જાણે ઍન્ટમૅન મોટો થઈ રહ્યો છે. ઉઠ્યો ત્યારે પગ પથારીની ધાર સુધી પહોંચી ગયા હતા. હલ્કની જેમ રાતોરાત શારીરિક બદલાવથી કપડાં ફાટી ગયા હતાં! ચહેરા પર મૂછો અને ઘાટી દાઢી આવી ગયા હતાં. બાવડાં માંસલ અને મજબૂત લાગતાં હતાં. પોતે પુરુષ છે એવું જાણે પહેલી વાર અનુભવાઈ રહ્યું હતું.
“વાઉવ, હાવ હેન્ડસમ હી ઈઝ!”, એક છોકરીનો ઉદ્ ગાર પીઠ પાછળ અથડાયો. મન પોસરાયું.
“આર્મીમાં હશે. લાગી શરત?”, તાળીનો અવાજ કાને અથડાયો.
આસપસના લોકો એને જ જોઈ રહ્યાં હતાં એવું તો ખબર પડી પણ છતાં અજાણ્યો બન્યો. પોતાનો બદલાવ પોતાને તો ગમ્યો જ પણ લોકોના ધ્યાનમાં આવ્યો એ વિશેષ ગમ્યું. કરોડરજ્જુની જગ્યાએ સળિયો ગોઠવ્યો હોય એમ ટટ્ટાર થઈ ગયેલું શરીર વધારે ટટ્ટાર થયું ને છાતીમાં પણ જાણે હવા ભરાઈ.
સ્વીમીંગ કૉસ્ચ્યુમ પહેરીને શર્ટલેસ શરીર પુલના પાણીમાં તરતું મૂક્યું. જેટલા હાથ-પગ મારેલાં આવા બનવા માટે એ અત્યારે પુલમાં તરવામાં કામ લાગ્યા. આજે હાથ વીંઝતાં જે પાણી પાછળ જતું એમાં લોકોના પ્રશ્નો પણ પાછળ રહી ગયા હોય એમ લાગતું હતું.
“સાવ માયકાંગલો છે. તારી મમ્મી તને ખાવ નથી આપતી?”, નાનપણથી આ વાક્ય અસંખ્ય વાર સાંભળેલું.
“સાવ સુક્કી સરેકડી જેવો છે. દવા કરાવો એની. ચોક્ક્સ ફરક પડશે.”, કોઈ હિતેચ્છુ વળી આવી પણ સલાહ આપતું.
“ઉંમરના પ્રમાણમાં હાઈટ ઓછી કહેવાય. ક્યાંય નહીં ચાલે. થોડો વ્યવસ્થિત હોય તો આગળ પ્રોબ્લેમ ન થાય.”
ઍન્ટમૅન ઍન્ટમૅન ઍન્ટમૅન એના કાનમાં પડઘાયું.
વારે-વારે થતાં આ પ્રશ્નોથી, ચર્ચાથી મન બહુ ઘવાતું. પણ કોને કહેવું. એક શિખા જ હતી જે એની વાત સમજી શકતી. સુંદર પણ જરા ભીનેવાન શિખા પપ્પાના મિત્રની દીકરી હતી. એને પણ આવા પ્રશ્નોનો સામનો કરવો પડતો. બન્ને એકબીજાની તકલીફ સમજતાં. અને આ તકલીફ ને કારણે જ બન્ને સારા મિત્રો બની શક્યા હતાં.
ધીમે-ધીમે સામાજીક પ્રસંગો, મેળાવડા કે એવું બીજું કંઈ પણ હોય હવે તો જવાનું જ ટાળતો. મિત્રો તો ઝાઝા હતા નહીં. એની પાસે શું નથી એ જોવામાં બીઝી લોકો પાસે એની પાસે શું છે એ જોવાનો સમય જ ક્યાં હતો? આખો દિવસ લગભગ ભણવામાં અને બાકીનો સમય ચિત્રો બનાવવામાં ગાળતો. શિખા અવારનવાર આવતી અને એના ચિત્રો જોતી. ઘણીવાર એને ઍક્ઝિબીશન કરવા પ્રેરતી. પણ લોકોની સામે જવામાં કચવાતું મન કશું કરવા રાજી ન થતું. હંમેશાં વિચાર આવતો કે લોકો ચિત્રો જોશે કે ચિત્રકાર ને!
“આમાં કેમ એક જ માણસ છે? મેળામાં તો બહુ બધા લોકો હોય ને?”, શિખાએ એક દિવસ એક ચિત્ર જોતા પુછેલું.
“હા. મેળામાં બહુ બધા લોકો હોય. પણ આ માણસ મેળામાં એકલો પડી ગયો છે.”
એકલતાની આ અવસ્થાએ એના મનને ગ્રસી લીધેલી. ચિત્રોમાં આ અવસ્થા પડઘાતી હતી. શિખાને ચિંતા હતી. એટલે જ વિચાર્યું હતું કે અંકલ-આંન્ટીને આ વિશે વાત કરવી. એને મદદની તાતી જરુરિયાત હતી.
આજના સેશનમાં જે જાણવા મળ્યુ એ બધા માટે ઘણું આઘાતજનક હતું. સેશન પત્યું ત્યારે ચાદર ચૂંથાઈ ગઈ હતી. ઓશિકું નીચે પડી ગયું હતું. પથારીમાં તરતાં-તરતાં થાકીને એનું શરીર શિથિલ થઈને પડ્યું હતું.
(પ્રકાશિત – પંખ ઈ-મૅગેઝિન – મે)
Awesome 👏🏻