ફેસબુક ઉપર વખત પહેલાં એક વાક્ય વાંચેલું, “ચાલીસ પછી ચાલીસ મિનિટ ચાલીશ નહીં તો તું ક્યાંય ચાલીશ નહી.” એક જ વાર વાંચેલું આ વાક્ય મનમાં કોતરાઈ ગયુ. મેં હમણાં-હમણાંથી નજીકના બગીચામાં ચાલવા જવાનું શરુ કર્યું છે. જોકે સારું છે કે બગીચાના ચક્કર મરતાં-મારતાં મને ચક્કર નથી આવતાં. ( 🙂 )
ચાલવાની સાથે સાથે આસપાસ ઘણું અવનવું જોવા મળે. રેતીમાં કે હિંચકા-ચગડોળ પર રમતું બાળપણ, ભજન ગાતું સિનિયર સિટિઝનનું ટોળુ, ઉત્સાહ અને તરવરાટથી ચાલતા કે દોડતા માણસો, ભીડથી સાવ નોખા થઈને એકલા બેઠેલા બે જણ! મારી જેમ ત્યાં કૂતરાં, મોર, ચકલી, કાબર, સમડી, કબૂતર પણ આવે. એ બધા પોતપોતાનામાં મસ્ત હોય ને હું મારામાં! ગઈકાલે ચાલતાં-ચાલતાં મને મોરનું પીંછું મળ્યુ જાણે સાક્ષાત શ્રીકૃષ્ણના આશિર્વાદ! જાણે મારી એક નવી શરુઆત માટે પહેલેથી જ પોતાની હાજરી પુરાવી દીધી. વળી જાત-જાતનાં વૃક્ષો જોવા મળે. એમાંથી જે ઓળખાય તે જાણે બહુ વખતે સ્વજન મળ્યા હોય એમ લાગે. ન ઓળખાય એ વૃક્ષો માટે એમ થાય કે એને પણ આઈ-ડી કાર્ડ હોત તો કેવુ સારું!
બગીચામાં દરરોજ એક દાદા આવે. એમના નિશ્ચિત બાંકડા પર બેસે. દાદાને આવેલાં જોઈ બગીચામાં દરરોજ આવતાં બાળકો એમની પાસે પહોંચી જાય, સાથે નવા છોકરાંને પણ લેતા પણ જાય. એ દાદા લાંબા સ્પાઈરલ (ટોટી જેવા) ફુગ્ગા લઈને આવે. ફુગ્ગ્ગા ફૂલાવવાનો પંપ પણ લઈને આવે. દરેક છોકરાંને એક-એક ફુગ્ગો આપે. પછી બધા છોકરાં એક લાઈનમાં ઊભા રહે અને ફુગ્ગાને દબાવીને બને એટલો ઊંચો ઊડાડવાનો. બસ આમાં છોકરાંને મઝા ને છોકરાંને રાજી જોઈ દાદાને પણ મઝા. બગીચામાં આવતાં દરેકની મઝા કરવાની રીત નોખી. કોઈ અનુલોમ વિલોમમાં મસ્ત તો કોઈ સાવ અજાણ્યાને પણ ‘જય શ્રીકૃષ્ણ’ કહેવામાં, કોઈ મોબાઈલમાં મસ્ત તો કોઈ વાતોમાં મસ્ત.
બગીચામાં માળીકામ કરવા આવતાં માણસને જોઉં તો એમ થાય કે આને આખો દિવસ કેટલી ચોખ્ખી હવા મળતી હશે!
કાલે મેં જાણે ખાસ્સા વખત પછી સાંજનું આકાશ નિરાંતે જોયું! ચોક્કસ મારી દૃષ્ટિ અને આકાશની વચ્ચે એક તાર હશે એવું લાગે છે.
ખુબ જ સરસ.
Beautiful! People do miss to care for such small sources of happiness.. 👍🏻💕
ખૂબ સુંદર!! ચાલીસ પછીની આ ૪૦ મિનિટ ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય ના દર્શન કરાવાની સાથેસાથે પ્રકૃતિ અને ઇશ્ર્વર સાથેના માનવ સંબંધના તાર પણ સ્પર્શે છે!!
અભિનંદન!!
સરસ… આનંદ મેળવવા માટે અવલોકન જ પૂરતું છે…
Amaro tar pan sahaj jodai gayo.sundar avlokan ,anubhuti sathe khoob khoob abhinandan anand 👍
Good one as always Hiral, we used to very Busy in out daily routine. In City, Public Park is one of the place where we can connect ourself with Nature