Skip to content

જીવન એક ખેલ : કુન્દનિકા કાપડિયા – હ્રદય સમીપે

મેનીફેસ્ટ કે મેનીફેસ્ટેશન કરવું એ આજકાલ ઇન્સટા રીલ્સમાં, કે યુટ્યુબ શોર્ટ્સમાં વારંવાર આવતો અને ચર્ચાતો વિષય છે. ‘ધ સિક્રેટ’ નામનું એક ચલચિત્ર (મૂવી) અને પુસ્તક પણ આ વિષયમાં જ છે. આજે હું આવા જ એક અનુવાદિત પુસ્તક વિશે વાત કરવાની છું. આ પુસ્તકે હંમેશાં મને રસ્તો બતાવવામાં મદદ કરી છે. કદાચ તમને પણ એ રસ્તો બતાવવામાં મદદરુપ થાય.

મૂળ પુસ્તક – ધ ગેમ ઑફ લાઈફ એન્ડ હાઊ ટુ પ્લે ઈટ

મૂળ લેખક – ફ્લોરેન્સ સ્કોવેલ શિનન

ગુજરાતી પુસ્તક – જીવનઃ એક ખેલ (સંક્ષિપ્ત અનુવાદ) – આ પુસ્તકની ૪૮ આવૃત્તિ થઈ ચૂકી છે

જીવન એક ખેલ
જીવન એક ખેલ

લેખિકા – શ્રી કુન્દનિકા કાપડિયા

લેખિકા પરિચય – શ્રી કુન્દનિકા કાપડિયા ગુજરાતી સાહિત્યમાં બહુ આદરથી લેવાતુ નામ છે. ‘સાત પગલાં આકાશમાં’ બોલો એટલે કુન્દનિકાબેનનો પ્રેમાળ ચહેરો સામે આવ્યા વગર ન રહે. ‘સ્નેહધન’ એ એમનું ઉપનામ છે. ‘પરોઢ થતાં પહેલાં’ એમની પ્રથમ નવલકથા છે અને એ સિવાય ‘અગન પિપાસા’ નવલકથા પણ એમણે લખી છે. ‘પ્રેમના આંસુ’ એમની પ્રથમ વાર્તા છે. તે ઉપરાંત ‘વધુ ને વધુ સુંદર’, ‘કાગળની હોડી’, ‘જવા દઈશું તમને’ , ‘મનુષ્ય થવું’ જેવા એમનાં વાર્તા સંગ્રહો છે. વાર્તા ઉપરાંત તેમણે નિબંધો પણ લખ્યા છે. ‘દ્વાર અને દિવાલ’, ‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’, ‘આક્રાંદ અને આક્રોશ’ તેમના નિબંધ સંગ્રહો છે. ‘પ્રમ સમીપે’ જેવું સુંદર પ્રાર્થનાનું પુસ્તક પણ તેમણે જ લખ્યુ છે. તેમણે ઘણા અંગ્રેજી પુસ્તકોના અનુવાદ પણ કર્યા છે અને આ પુસ્તક એમાનું જ એક છે.

કુન્દનિકા કાપડિયા
કુન્દનિકા કાપડિયા

પુસ્તક વિશે – વિચારોની શક્તિ અદ્ભૂત છે, એ આપણામાંથી ઘણા લોકો જાણે છે. આ પુસ્તકમાં આપણા જાગ્ર્ત, અર્ધજાગ્રત મન વિચારે છે ત્યારે એના કેવા પડઘા પડે છે એ બહુ સરસ રીતે સમજાવ્યુ છે. આપણે જે સતત વિચારીએ છીએ તે જ બધુ ઘટનાઓ સ્વરુપે વહેલા કે મોડા ઘટિત થાય છે. ‘જીવન એક ખેલ’ આપણા વિચારોને કેવી દિશા આપવી તેનું માર્ગદશેન પુરુ પાડતું પુસ્તક છે.

એક નાનકડું ઉદાહરણ લઈએ, કહેવાય છે કે આશિર્વાદ ફળે છે. આ આશિર્વાદ શું છે? સાચા હ્રદયથી બોલાયેલા શબ્દો જ તો! જો આશિર્વાદ ફળે છે એનો મતલબ શબ્દો ફળે છે. એ સારા હોય કે ખરાબ. જ્યારે આપણે જાણે અજાણે શબ્દો બોલીએ છીએ કે મનમાં કોઈ વિચાર કરીએ છીએ ત્યારે બ્રહમાંડ એ શબ્દોને ઝીલે છે. અને આ જ વિચારોના તરંગો ઘટના સ્વરુપે આપણને પાછા મળે છે.

‘જીવન એક ખેલ’ પુસ્તકમાં બીજી એક સંશોધનની વાત કહી છે. કે આપણા શરીરમાં થતા રોગોનું મૂળ પણ આપણા વિચારો જ છે. ભય, ઇર્ષા, નિરાશા, નિંદા આ બધા મનના વિકારોને કારણે જ આપણે રોગી બનીએ છીએ. રોગ પહેલાં મનમાં પ્રવેશે છે અને પછી શરીરમાં. આપણે જ્યારે પણ વિચારીએ ત્યારે પૂરેપૂરી શ્ર્ધ્ધા સાથે સારુ જ વિચારવાનું છે. નબળી કે વિક્ટ પરિસ્થિતિમાં નબળા વિચારો આવે એ સ્વાભાવિક છે. પણ આપણે આપણા મનને સબળ વિચારો તરફ લઈ જવાનું હોય છે.

ગુજરાતીમાં કહેવત છે, ‘વાવે તે લણે’ એટલે કે આપણે જે વાવીએ છીએ / આપીએ છીએ એ જ આપણેને પાછુ મળે છે. જીવનએ ન્યુટનના ગતિના ત્રીજા નિયમ જેવું છે. આ પુસ્તકમાં બીજી વાત એમ પણ કરી છે કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિની ઇચ્છા રાખો ત્યારે એની પાછળનો આશય પણ શુભ હોવો જોઈએ. ક્યારેક શુભ આશય વગર માંગેલું મળે તો સામે એની કિંમત પણ ચુકવવી પડતી હોય છે.

‘વિઝન વોર્ડ’ જેવો શબ્દ જો તમે સાંભળ્યો હોય તો એનો મતલબ છે આંખ સામે દેખાય / સતત આપણને દેખાતું રહે એવું બોર્ડ જ્યાં આપણે આપણા ધ્યેય, સપનાં ચિત્રો સ્વરુપે કે શબ્દો સ્વરુપે લખ્યા હોય. સતત આપણેને આપણા ધ્યેય માટે સજાગ કરતા હોય અને મનમાં એ ધ્યેય આપણને પ્રાપ્ત થયો છે એવું અનુભવવાનું યાદ કરાવતું હોય. આનો મતલબ જ એ છે કે આપણે આપણા મનને હકારાત્મક સંદેશો આપતાં રહીએ અને કાર્ય કરતાં રહીએ.

ઘણી મહત્વની વાત આ પુસ્તકમાંથી મને મળી છે તે છે, પરિણામ ઇશ્વરને શરણે છોડી દેવાનું અને માત્ર કાર્ય કરતાં રહેવાનું. ક્યારેક કાર્ય કરવા ચોક્ક્સ દિશા ન મળે ત્યારે ઇશ્વર પાસે સંકેતની (ક્લૂની) માંગણી કરવાની. અને કોઈ પણ માધ્યમ દ્વારા આપણને સંકેત ચોક્ક્સ મળે જ છે.

ઇશ્વર પાસે માંગણી કરતી વખતે પણ આપણા શબ્દો માટે સાવધ રહવાનું હોય છે. કારણકે વહેલા મોડા આપણા શબ્દો જ સાચા પડે છે. અને કદાચ ચોક્કસ શબ્દો ન મળે ત્યારે પૂરેપૂરી શ્ર્ધા સાથે બધુ ઇશ્વર પર છોડી દેવાનું.

પૈસા વાપરતી વખતે પણ કેવો ભાવ રાખવો એ પુસ્તકમાં સુંદર દ્ર્ષ્ટાંતો દ્વારા સમજાવું છે.

આ પુસ્તકમાંથી મને ગમતાં કેટલાક વાક્યો..

૧. ચિંતા શા માટે કરવી? કદાચ એવું ક્યારેય નહિ બને.

૨. ભગવાનના રાજ્યમાં કદી વધારે પડતું મોડું થતું નથી.

૩. મારો આ બોજો હું અહીં બેઠેલા ભગવાનને સોંપી દઉં છું.

ધબકાર – “Speed thrills, but kills.”, બહુ જ જાણીતું રોડ પર લખવામાં આવતું વાક્ય છે. શબ્દોનું પણ આવુ જ છે, “Words kill, use it to heal.”

પૃષ્ટ સંખ્યા – ૩૨ પ્રકાશક – કુસુમ પ્રકાશન. આ પુસ્તક ઍમેઝોન – Kindle addition, બુકપ્રથા – papare back પરથી પણ મળી જશે. કિંમત – ૨૫ રુપિયા (આ પુસ્તક જો વધારે સંખ્યામાં ઑર્ડર કરવામાં આવે તો કિંમતમાં વળતર મળે છે.)

Published inપુસ્તક સમીક્ષાહ્રદય સમીપે

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!