આજે સૂર્યની આસપાસ ૪૩ ચક્કર પૂરા કર્યા! વરસગાંઠ આવી એટલે પાછુ એક વર્ષ કૅલેન્ડરમાંથી ઓછું થયું અને અનુભવમાં ઉમેરાયુ. બૅલેન્સશીટ બનાવું તો નહીં નફો નહીં નુકશાન જેવું સરવૈયું નીકળે છે.ખાસ કંઈ લખાયું નથી પણ વંચાયુ છે ખરું. નવા લોકોને મળાયુ છે અને એમની ઉર્જાથી થોડી હૂંફ પણ મળી છે.
હું એક દિવસ જૈત્ર સાથે વાત કરતી હતી કે મેં જો ફલાણા-ફલાણા વિષયમાં પ્રયત્ન કર્યો હોત કે એ વાતને સીરિયસલી લીધી હોત તો હું આજે આટલે પહોંચી શકી હોત. ત્યારે એણે મને બહુ જ સરસ જવાબ આપ્યો, “હજી મોડુ નથી થયું.” અને જાણે એણે મારા લગભગ બંધ પડી ગયેલા હ્રદયને સીપીઆર આપ્યું હોય એમ લાગ્યુ.
હિંચકે બેસીને શાંતિથી પીવાતી આદુવાળી ચા, આઠ-દસ કૂંડામાં રાખેલા છોડનો ખ્યાલ, મારા બાળકની આંખોમાં દેખાતું આશ્ચર્ય અને કૂતુહલ, કોઈને જરુરના સમયે આપેલો થોડો ટેકો, સ્વજનોનો મારામાં વિશ્વાસ, તુલસીક્યારે શ્ર્ધ્ધાથી મૂકેલો દિવો, સવારે દેખાતો સૂર્યોદય, રાતે દેખાતું તારા મઢ્યું આકાશ…બસ આ બધુ એટલે જ જિંદગી.
ઊઠો, જાગો અને પાછા સૂઈ જાઓની વચ્ચે ક્યાંક ધ્યેય સેટ કરવાનો છે. એ ધ્યેય મેળવી શકાશે કે કેમ એ ખબર નથી પણ પ્રયત્નો ચોક્ક્સ કરવાના છે. ગુજારતીમાં એક કહેવત છે ‘ભગવાન ખભો જોઈને ભાર આપે.’. એટલે ઈશ્વરે આપણા ખભામાં આટલો વિશ્વાસ રાખ્યો છે પછી એ વિશે આપણે ઝાઝી ચિંતા કરવાની જરુર નથી. સાબિતિ વગરના પ્રમેયની જેમ સાબિતિ માંગ્યા વગર બસ શ્ર્ધ્ધા રાખવાની છે, ઇશ્વરમાં અને પોતાનામાં. હલેસા મારતા રહેવાનું છે, ક્યાંક કિનારે આવેલું વહાણ ડૂબી ન જાય! મેં એક અંગ્રેજી મૂવી જોયેલું ‘ફાઈન્ડિંગ નીમો’ અને એમાં રસ્તો શોધતી એક માછલી બોલતી રહે છે ‘તેરતે હરો બસ તેરતે રહો.’ મારે પણ બસ તરતાં રહેવાનું છે.
થોડાક મિત્રો છે જે પાસે નથી પણ સાથે છે. અકબર-બિરબલની વાર્તામાં આવતા પેલા દૂર બળતા દિવાની જેમ એ પણ હૂંફ આપે છે. મને લાગે કે ક્યાંક ખોવાઈ ગઈ છું ત્યારે એ બુમ પાડીને મને એ અવાજની દિશામાં દોરી જાય છે. ટચપૅડવાળા મોબાઈલથી હું ‘કીપ ઈન ટચનો’ વાયદો નીભાવું છું.
મારી વરસગાંઠનો આનંદ મને છે પણ મારા સ્વજનોને પણ છે. મારા હોવાથી પૃથ્વી નામના આટલા મોટા ગ્રહ પર કદાચ કોઈ ફર્ક ન પડે પણ જે મને ચાહે છે એ બધાને ફરક ચોક્ક્સ પડે છે. બસ એ વાતનો આનંદ વરસગાંઠ કરતાં પણ વધારે છે.
સૂર્યની આસપાસ નવું ચક્કર કાપવા તૈયાર! ☀️
વર્ષગાંઠ ને એક નવી રીતે જોવાનો અભિગમ સારો છે… Be positive and keep swimming…
જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ …
Khoob khoob abhinandan shubhechha o .sunder lekh