આમ તો પહેલો પ્રેમ થાય ત્યારે પત્ર લખાય. પણ, મારા કિસ્સામાં પત્ર મારા લખાણના પ્રેમનો પહેલો દસ્તાવેજ છે. શાળા જીવનમાં પત્ર લખવાનું શીખવવામાં આવતું. અને પછી વેકેશનમાં સગા-સંબંધીઓને પત્ર લખવાનો ટાસ્ક મમ્મી-પપ્પા તરફથી મળતો. ક્યારેક જવાબી કાગળ અમારી પાસે લખાવવામાં આવતો. ‘તમારો કાગળ મળ્યો. વાંચીને આનંદ થયો. અમે મજામાં છીએ. તમે મજામાં હશો.’, આટલું કોઈ બોલો એ પહેલાં જ લખાઈ જતું. બસ, પછી કોઈના સારા માર્ક આવ્યા હોય તો કે પછી કોઈના જીવાનમાં કંઈક નવું બન્યું હોય, પત્ર લખવાનો જ.
પંદર પૈસાના પોસ્ટકાર્ડમાં ઝીણા-ઝીણા અક્ષરે લખવાનું એટલે વધુ વિગત સમાવી શકાય. ઈંન્ડેન્ટ લેટરનો ઉપયોગ કંઈક ખાસ કે પછી કોઈ ગુપ્ત વાત લખવા થતો. પણ મારા જીવનમાં એટલું ગોપનીય કંઈ હતું જ નહીં એટલે પીળા રંગનો પોસ્ટકાર્ડ હાથવગો રહેતો. પછી ધીમે-ધીમે બધુ લખવાની ચાહ, મને પરબીડિયાં તરફ લઈ ગયો. પરબીડિયું ફૂલી જાય એટલા ફૂલસ્કેપ કાગળ અંદર મૂક્યા હોય. હા, પણ પત્ર લખનાર હું કે પત્ર વાંચનાર ક્યારેય થાક્યાં નથી એનો આનંદ છે.
આ પત્ર લખવામાં મને સૌથી વધું ગમતું સંબોધન અને લિખિતંગ લખવું. જુદુ-જુદુ, લાંબુ સંબોધન અને લિખિતંગ લખવામાં પત્ર લખવા કરતાં પણ વધુ મજા આવતી. હવે ઈ-મેઈલ અને વોટ્સએપના જમાનામાં પત્ર લખવાનું બનતું નથી. પણ સગા-સંબંધીઓએ લખેલા પત્રો, દિવાળીના ગ્રીટીંગ કાર્ડ, મિત્રોએ આપેલાં જન્મદિવસના કાર્ડ, કેટલાંક કવિ/લેખકો અને ચાહકો લખેલાં પત્રો હજી સાચવીને રાખ્યાં છે. એ ખજાનો છે. જ્યારે ખજાનો ખોલુ છું ત્યારે ટાઈમ ટ્રાવેલ કરી લઉ છું!
પત્રો લખવાની ટેવ છૂટી ન જાય માટે અહીં, ‘વાસંતીફૂલ’ પર, પત્રોની એક શ્રેણી શરુ કરવા જઈ રહી છું. આશા છે આપ સૌને ગમશે.
તો તમે બધા આ પત્રો વાંચશો ને? મને એનો જવાબ ટિપ્પ્ણીના રુપે આપશો ને?
[…] પોસ્ટમાં કહેલું કે પત્રોની એક શ્રેણી શરુ કરીશ. […]
[…] પત્ર શ્રેણીનો બીજો પત્ર. […]