“જબ તક હૈ જાન મેં નાચુંગી…” લારીમાં મૂકેલાં સ્પીકર પર મોટા અવાજે ‘શોલે’નું આ ગીત શરુ થયું. લારી પાસે એક માણસ પાથરણું પાથરીને બેઠો હતો. પાથરણા પર છૂટ્ટા પૈસા પડ્યાં હતાં. સામસામે લાકડીઓ ગોઠવીને ઉપર એક જાડું દોરડું બાંધેલું હતું. એક સાત-આઠ વરસની છોકરી બાંધેલી લાકડીઓના આધારે ઊપર ચઢી. પાથરણા પાસે બેઠેલા માણસે એને એક લાંબી લાકડી આપી. બહુ જ સહજતાથી એ છોકરી લાકડી પકડીને દોરી પર બેલેન્સ કરતી એક છેડેથી બીજા છેડે ચાલવા લાગી. લાકડી પાતળી છે કે છોકરી એ કળવુ અઘરું હતું. રસ્તા પર આવતાં જતાં સૌનું ધ્યાન એ મોટા અવાજે ચાલતાં ગીત પર જતું. કોઈ જોઈને આગળ વધી જાય તો કોઈ બે-પાંચ રુપિયા પાથરણા પર મૂકતું જાય. કોઈ વળી ક્યારેક ખાવાનું આપી જાય તો એક ટાણું સચવાઈ જતું.
બધું જ બદલાય. શહેર, સ્થળ, ઋતુ, ગીત, પૈસા આપતાં માણસો. બસ, દોરડાં પર ચાલતી છોકરી, એના પિતા કે એમની કિસ્મત ન બદલાય. ગીત પુરું થયું ને છોકરી નીચે ઊતરી.
“કેટલા થયા?”, પાથરણા પર નજર કરતાં પૂછ્યું.
“હાલ ગણીએ.”, પરચૂરણ પર હાથ ફેરવતાં બાપ બોલ્યો.
શાળાએ ન ગયેલી છોકરી પણ પૈસાનું ગણિત જાણતી હતી. આટલામાં બે ટાઈમ ખાવાનું થશે કે નહીં એ ગણતરી પૈસાની જોડે જ થઈ ગઈ.
“કંઈ નહીં. હજી બપોર થવાને વાર છે. બીજે જઈશું.”, બાપનો નિરાશ ચહેરો જોઈ આશ્વાસન આપ્યું.
બધો સામાન સમેટાયો અને લારીમાં ખડકાયો. સામાનની સાથે છોકરી પણ બેઠી અને બાપે ભૂખ્યા પેટમાં હતી એટલી તાકાત લારીની સાઈકલ પર લગાવી. સ્થળ બદલાયું પણ ઝાઝા પૈસા ન મળ્યા. ભેગા થયેલાં પૈસામાંથી એક વડાપાંવ લીધો. અડધો-અડધો ખાધો અને આખો ગ્લાસ પાણી પી લીધું. બાપને ઓડકારની સાથે આંખમાં ઝળઝળિયાં પણ આવ્યા! છોકરીનો હૂંફાળો હાથ બાપના હાથમાં પરોવાયો અને આંખથી જ આશ્વાસન મળ્યુ.
બીજો દિવસ, બીજું સ્થળ, બીજું ગીત અને એમાં વળી ઉનાળો. એક બંગલાની બહાર ઝાડ નીચે જગ્યા જોઈને પાથરણું પાથર્યું. સ્પીકર ચાલુ થયું.
“આ શું માંડ્યું છે અહીં?”, અવાજ બંગલાની દિશામાંથી આવતો હતો.
“અમે દોરી પર ચાલીને ખેલ બતાવવાવાળા છીએ. થોડીવારમાં જતા રહીશું બા. બહુ તડકો છે એટલે આ ઝાડ જોઈને અહીં બેઠા છીએ.”, છોકરીએ નરમાશથી કહ્યું.
“તમે ગમે તે હો, અહીંથી નીકળો. તમારા જેવા જ ઘરની અજુ-બાજુ આંટાફેરા કરીને બધું જાણી લે ને પછી ધાડ પાડે. તમારો શું ભરોસો?”, છેક ઝાંપા સુધી આવી ગયેલા બંગલાના માલિકે બહુ ઉદ્ધતાઈથી કહ્યું.
“ક્યાંક કંઈ થાય ને આપણું નામ આવે બાપા, ચાલો ઉપાડીએ બધું.”, છોકરીએ સામાન સંકેલવા માંડ્યો.
આગળ જઈ પાછું પાથરણું પાથર્યું, લાકડીઓ ગોઠવી, સ્પીકર ચાલું થયું અને છોકરી દોરી પર ચઢી. દોરી પર આમથી તેમ કુશળતાપૂર્વક ચાલવા લાગી. દોરી પર બેલેન્સ કરવા ટેવાયેલી છોકરી તડકા અને ભૂખ સામે બેલેન્સ ન રાખી શકી. ધડામ કરતો અવાજ થયો અને ખેલ જોવા ભેગા નહોતાં થતાં એટલા લોકો આ અવાજથી ભેગા થઈ ગયા. કોઈ છોકરીને તો કોઈ એના બાપને સંભળાવતાં હતાં.
હજી પણ સ્પીકરમાં “જબ તક હૈ જાન મેં નાચુંગી…” ગીત રેલાઈ રહ્યું હતુ. મોટા અવાજે ચાલતાં ગીતમાં એક બાપનું આક્રાંદ કોઈને સંભળાયું નહીં.
અતિશય સંવેદનશીલ. નજરની સામે દૃશ્ય ઉભુ થઈ ગયું અને આંખ પણ ભીંજાઈ ગઈ.
સરસ ભાવવાહી વાર્તા.