‘પાણી..ના… પાઉ…ચ લેવાના…’, સ્ટેશન પર ગાડી આવતાંની સાથે જ એક તીણો સ્વર પ્લેટફોર્મ પર રેલાયો. માણસોની ભીડને ચીરતો એ બારીએ બારીએ ફરવા લાગ્યો. એ ફરતો હોય ત્યારે એની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં પણ વધારે લાગતી. જે બે-ચાર પાઉચ વધારે વેચાયાં તે!
“એ..ય.. પાણીના પાઉચવાળા. એક પાઉચ આપને.”, અવાજની દિશામાં પાઉચ આપવા હાથ લંબાયો. એજ સમયે ગાડી ધીમા આંચકા સાથે શરુ થઈ. ગ્રાહકને છૂટ્ટા પૈસા શોધતાં વાર લાગી. લાગ્યું કે આજે આ પાઉચના પૈસા નહીં જ મળે. પણ ગાડી વધુ ગતિ પકડે એ પહેલાં બારીમાંથી એક હાથ બહાર નીકળ્યો ને છૂટ્ટો એક રુપિયો પ્લેટફોર્મ પર પડ્યો. એક પિક્ચરમાં એણે એક ડાયલોગ સાંભળેલો, “મેં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા.” રુપિયો ઉપાડતાં સમજાયું કે એવું બોલવું અમિતાભ બચ્ચનને પોસાય એને નહીં.
પ્લેટફોર્મ પર ખાલી બાંકડો જોઈ એની પર ગોઠવાયો. ચડ્ડીના ખિસ્સામાં હાથ નાંખીને છૂટ્ટા પૈસા પર હાથ ફેરવ્યો, અદ્દ્લ સવારે માએ એના માથા પર ફેરવેલો એમ જ! મા યાદ આવી ને સવારે મા સાથે થયેલો સંવાદ પણ યાદ આવ્યો.
“એકાદ પાઉચ ઓછું વેચાસે તો ચાલસે. પણ ચાલુ ટ્રેનમાં ના ચઢતો.”
“હા. નહીં ચઢું.”
“ટ્રેનથી દૂર ઉભો રહેજે. બહુ દેડતો નહિ.”
“હા.”
દરરોજના આ સંવાદ એને મોઢે થઈ ગયેલાં. પણ એનું કારણ પણ એને ખબર હતી. એટલે માને કંઇ કહેતો નહીં.
દૂરથી ગાડીની સીટી સંભાળાઈ ને એના વિચારોની ટ્રેન અટકી. હસતા ચહેરે ફરી ‘પાણી..ના… પાઉ…ચ લેવાના…’ની બૂમ પાડી.
“બેટા, એક પાઉચ આપને પ્લીઝ.”, અડધા સફેદ અડધા કાળા વાળ વાળા એક માણસે એનું ધ્યાન ખેંચ્યુ.
“હા હા કેમ નહિ.”, મા સિવાય બીજા કોઈ એ એને બેટા કહ્યું એટલે ઉત્સાહમાં આવી ગયો. બાકી ‘પાઉચવાળા’ સાંભળી સાંભળીને ક્યારેક પોતાનું અસ્સલ નામ પણ યાદ ન આવતું.
“લે, એન્જોય.”, એના હસતાં ચહેરાનું પ્રતિબિંબ દસની નોટ સ્વરુપે દેખાયુ.
સામેવાળાનો ભાવ જોઈ, છૂટ્ટા પૈસા લેવા ખિસ્સામાં જતો હાથ અટકી ગયો. ટ્રેન ચાલી ગઈ પણ ખિસ્સાને અને હ્રદયને ભરતી ગઈ!
સવાર બદલાઈ પણ પાછી એ જ ટ્રેન અને એ જ માણસ. આજે બૂમ પડે એ પહેલાં જ એ બારી પાસે પહોંચી ગયો.
“આજે મારા તરફથી.”, પાણીનું પાઉચ આપતાં ખુમારીથી બોલ્યો.
“શું નામ છે તારું?”, ટ્રેન વધુ ઊભી રહી એટલે વાતનો દોર શરુ થયો.
“દિપક.”
“તને ખબર છે પાણી પીવડાવવાથી પૂણ્ય મળે?”
“એ તો ખબર નથી સાહેબ. પણ પાણી વેચવાથી પૈસા મળે.”
“ભણે છે?”
“હા. પણ કોરોનામાં સ્કૂલો બંધ થઈ છે તો માની જગ્યાએ હું પાઉચ વેચવા આવુ છું.”
“પણ ઓનલાઈન તો સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ને!”
“હા. પણ મારી મમ્મી પાસે એવો ફોન નથી જેનાથી હું ઓનલાઈન ભણી શકું.”
“કોણ કોણ છે ઘરમાં?”
“હું ને મા. ને તમારા ઘરમાં?”
જે પ્રશ્નનો જવાબ આપવો નહોતો એ ટ્રેન ચાલવાથી છૂટી ગયો એટલે હાશ થઈ.
ટ્રેન આવી પણ અઠવાડિયા સુધી એ હસતો ચહેરો દેખાયો નહીં. ખિસ્સામાં હિસાબના વધેલા આઠ રુપિયાનો ભાર લાગતો હતો. શું થયું હશે એવો વિચાર પણ આવતો હતો. દરેક ટ્રેનની બારી પર નજર પડતી ને પાછી ફરતી. ને અઠવાડિયા પછી અચાનક, “એક પાઉચ આપને બેટા.” સાંભળ્યુ.
દિપક દોડતો બારી પાસે પહોંચ્યો. એની દોડમાં એની ચિંતા વર્તાતી હતી.
“કેમ અઠવાડિયું દેખાયા નહિ? બધુ બરાબરને!”
“હા એક્દમ. લે.”
“હજી તમારા પૈસા જમા છે.”
“પૈસા નથી આપતો બેટા. આ લે, એન્જોય.”
નવું નક્કોર મોબાઈલનું ખોખું જોઈ દિપક આભો બની ગયો. બન્નેની આંખો મળી અને વખત પહેલાં દિકરાને ગુમાવેલા બાપને દિકરો મળ્યો!
બહુ જ સંવેદનાપૂર્ણ. અંત તો જાણે નવી શરૂઆત છે!
ખુબ સરસ! હ્રદય સ્પર્શી … ❤️
Khoob sunder .bhavnatmak rajuaat.💐
સરસ વાર્તા હીરલબેન.
દરેક એકબીજાનું આટલું ધ્યાન રાખે તો કોઈ દુઃખ ન રહે.
Jordar.nice story
Jordar.nice story