Skip to content

લૉકેશન

રાતના ત્રણ વાગી ચુક્યા હતા. નવરાત્રીને લીધે રસ્તા પર વાહનોની અવર-જવર ચાલુ હતી. રસ્તાના એક કિનારે અંદરની તરફ કોઇ બચાવો બચાવોની બૂમો પાડતું હતું, પણ વાહનોના અને પાસેના પાર્ટી પ્લોટમાં ચાલતાં ગરબાનાં અવાજમાં એ અવાજ બહાર આવતો ન હતો.

નવરાત્રીના પહેલા દિવસે જ અજાણ્યા પાંચ જણના ગ્રુપમાં સ્નેહા જોડાઈ હતી.

“Can I join your group? I am new to this place and don’t know anyone. But don’t want to miss the fun just for the sake of good company.”, એક ગ્રુપ પાસે જઈ ‘ગુડ’ શબ્દ પર જરા વધારે ભાર દઈ સ્નેહા બોલી.

“sure.”

ગ્રુપમાં ત્રણ છોકરાઓ અને બે છોકરીનો હતી. ગ્રુપમાં જોડાઈ ત્યારે જ એક જણે મારી ‘પેર’ પણ થઈ ગઈ એમ કહી આંખ મારી હતી. પણ સ્નેહાને ગરબા રમવાની મઝા જતી કરવી નહોતી એટલે ગ્રુપમાં જોડાઇ ગઈ હતી. બે દિવસમાં તો ગ્રુપમાં હળીમળી ગઇ. પછી તો ફોન નંબર પણ એક્ષ્ચેન્જ કરી લીધા. રાત્રે કઈ થીમ પર ચણિયાચોળી પહેરવા, ગરબા પછી ક્યાં જઈશું બધુ જ ફોન પર નક્કી થવા લાગ્યુ. ચાર પાંચ દિવસમાં તો ‘ન્યુ પ્લેસ’ સ્નેહા માટે જાણીતું બની ગયું. નેન્સી અને નિહાર, કોમલ અને મિહિર, સ્નેહા અને સમીર એમ ખરેખર ‘પેર’ બની ગઈ હતી. ગરબા પૂરા થાય એટલે સમીર સ્નેહાને મૂકવા જતો. રસ્તામાં ઘર વિશે, ફૅમિલિ વિશે, મિત્રો વિશે પ્રશ્નો થતાં અને સ્નેહા ભોળાભાવે જવાબ પણ આપતી. પશ્નો પૂછીને સમીર એને પારખી રહ્યો હતો, સ્નેહા એનાથી સાવ અજાણ હતી.

છેલ્લા દિવસે ગરબામાં દરરોજ કરતાં વધારે મોડુ થઈ ગયું. સમીર માટે પણ આજે લાસ્ટ ચાન્સ હતો. સમીરે બાઈક મુખ્ય રસ્તા પરથી અંદરની તરફ લીધું ત્યારે જ સ્નેહા સચેત થઈ ગઈ.

“આ કયો રસ્તો છે? તું ભૂલો તો નથી પડ્યો ને?”, સ્નેહાએ પુછ્યું પણ ખરું.

“અરે ના, આ શોર્ટકટ છે. જલદી પહોંચી જવાશે.”, એમ કહી સમીરે બાઈકની સ્પીડ સાવ ઓછી કરી દીધી.

“શું થયું? કેમ બાઈક અચાનક બંધ પડી ગયું?”, સ્નેહાએ એક સામટાં પ્રશ્નો પૂછી લીધાં.

“Just chill. હું હમણાં ઠીક કરી દઈશ.”, સ્નેહાનો ગભરાયેલો ચહેરો માપતાં સમીર બોલ્યો.

“અત્યારે કોઈ મિકેનિક પણ નહીં મળે. મારે રુમ પર જલ્દી પહોંચવું પડશે. પ્લીઝ જલદી કંઈક કર.”, સ્નેહા ઉતાવળે બોલી.

સ્નેહાએ ઝડપથી જાણીતા નંબર પર ‘લૉકેશન’ મોકલ્યું. ખબર હતી કે આ સાહસ કરવું કેટલું ખતરનાક હતું. પણ આ સિવાય સમીર સુધી પહોંચવાનો બીજો કોઈ રસ્તો પણ નહોતો.

“ઉતાવળ શું છે. જઈએ છીએ જરા મઝા કરીને.”, સમીર સાવ નજીક આવી બોલ્યો.

સમીર કંઇ કરે એ પહેલાં જ સ્નેહાએ પોતાની ટ્રેનિંગના બધા દાવ સમીર પર અજમાવી દીધા. અધમૂઆ થયેલા સમીરને પોલીસવૅનની સાઈરન સંભળાઈ.

“Are you alright madam? I hope we are on time.”, એક લેડી પોલીસ સ્નેહાને પૂછી રહી હતી.

સ્નેહા સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરી શકી અને પોલીસ કેવી રીતે પહોંચી એ સમજતાં સમીરને વાર લાગી. પોલીસે બાઈકની ચાવી લઈ લીધી. બોચી પકડી સમીરને ઊભો કર્યો અને પોલીસવૅનમાં બેસાડ્યો.

“મજા પડીને અહીં આખી રાત?”

ઇન્સપેક્ટર સ્નેહાને જોઈ જેલમાં બેઠેલા સમીરને પરસેવો વળી ગયો. ગયા વર્ષે નવરાત્રીમાં થયેલો ‘ત્રિશા રેપ એન્ડ મર્ડર’ કેસ હવે આગળ વધશે એવી સ્નેહાને ખાત્રી થઈ ગઈ.

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!