સાવ નાના ગામની ભાગોળે ખટારો ભરીને સામાન અને માણસો આવ્યા. તંબૂ તણાયા અને સ્ટેજ બનાવાયું. નાટક મંડળી આવી છે એ વાત ગામમાં ફેલાતાં વાર ન લાગી. બીજે દિવસે બે માણસો માઈક લઈને ગામ આખામાં ફરી વળ્યા.
“નાટક આવ્યું…નાટક આવ્યું. નાના મોટા સૌ આવો. આજે સાંજે આઠ વાગે. ટિકિટ માત્ર એક રુપિયો.”
ગામમાં નાટક મંડળી પહેલાં પણ આવેલી પણ આ નાટક મંડળી જેવો અસબાબ પહેલાંની એકે નાટક મંડળીનો નહોતો. વળી આ નાટક મંડળીમાં સ્ત્રીઓ અને પુરુષો બન્ને હતાં. એટલે ગામ લોકોમાં નાટ્ક જોવાનું કુતૂહલ વધુ હતું. નાટક સમયે ધાર્યા કરતાં પણ બધુ માણસો એકઠા થઈ ગયેલાં. સ્ટેજ પર લાઈટની ગોઠવણી આંખો આંજી દે તેવી હતી. સ્ટેજ પણ મુકેલી વસ્તુઓ અને ગોઠવણ અધ્યતન હતાં. નાટકના વિષય પણ ધાર્મિક અને સમાજને અનુરુપ હતાં. નાટક પત્યું છેક ત્યારે લોકોમાં સળવળાટ થયો. નાટકની આખી ટીમ તાળીઓના ગડગટાટથી વધાવી લેવામાં આવી. ધીમેધીમે સૌ ઘર તરફ રવાના થયા.
સૌથી છેલ્લે આપાદાદાએ ગામ તરફ જવા પગ ઉપાડ્યા. પડદો પાડીને બનાવેલા ગ્રીન રુમમાં એક સ્ત્રી સ્વર કરગરી રહ્યો હતો અને એક પુરુષ સ્વર ધમકી ભર્યા અવાજમાં કંઈક બોલી રહ્યો હતો. આપાદાદા વાત પામી ગયા.
“કોણ છે? અહીં કયું નાટક ચાલે છે?”, જીવનના અનુભવના આધારે એક મોટી બૂમ પાડી લાકડી ઠપકારી.
આપાદાદાના પડછંદ અવાજથી પડદા પાછળથી એક ઓળો ભાગ્યો.
સ્ત્રી સ્વર જરા ધીમો પડ્યો એ જાણી આપાદાદા પડદો હટાવ્યા વગર જ બોલ્યા, “ખાલી નાટકમાં જ દુર્ગા બનતાં આવડે? દુર્ગા પોતાના સ્વમાન માટે જ દુર્ગા બનેલી, ખબર નથી તને?”
“હું ત્રિશૂલ ઉઠાવું તો મારી પારેવા જેવી છોકરીનું શું? એને કોના ભરોસે મુકુ?”
“એ છોકરીનો વિચાર કરીને જ ત્રિશૂલ ઊઠાવવાનુ.”
“તું ખાલી ત્રિશૂલ ઉઠાવ, પછી જો કોઈ રાક્ષસ પાસે આવવાની હિંમત નહીં કરે. ને જરુર પડે તો…”, આપાદાદા બાકી ના શબ્દો ગળી ગયા પણ સ્ત્રી એનો અર્થ પામી ગઈ.
આખા ગામમાં આપાદાદાની ધાક. વર્ષો પહેલાં લૂંટફાટ કરતાં. ખૂન તો કેટલાં કરેલાં એ એમણે પોતે ગણ્યાં નહોતા. પણ કોઈ સ્ત્રીની લાજ લેવાનું દુષકર્મ એમણે ક્યારેય કર્યું નહોતું. અચાનક એક દિવસ આપાદાદા આ ગામમાં આવેલાં અને ગામના થઈ રહી ગયા. ગામના લોકો અને ખૂદ પોલિસ પણ અચંબામાં પડી ગઈ. આપાદાદાની ધાક જ એટલી હતી કે કોઈએ પુછવાની હિંમત કરી નહીં.
બીજા દિવસે નાટકના સમયે આપાદાદા સૌથી પહેલાં આગળ આવીને ગોઠવાયા. સ્ટેજ પર ઉભેલી ‘દુર્ગા’ આભારવશ આંખો લઈ ઉભી હતી એ આપાદાદાએ નોંધ્યું. નાટકમાં રાક્ષસની એન્ટ્રી થઈ.
“ભગવાન બધાને એની પાત્રતા પ્રમાણે જ પાત્રો આપતો હશે ને!”, આપાદાદા પોતાની વાત પર જ હસ્યા.
“દુર્ગા મા તકી જય.”, રુદ્ર સ્વરુપે ત્રિશૂલ પકડીને ઊભેલા દુર્ગામાની લોકોએ જય બોલાવી.
“ખચ્ચ…”, અવાજ સાથે ત્રિશૂલ રાક્ષસના પેટમાં ભોંકાયુ અને લોહીના છાંટા સ્ટેજ પર ઉડ્યા. બેઠેલાં સૌ ઊભા થઈ ગયા. ધીમો ગણગણાટ શરુ થયો. ‘દુર્ગા’ હજી ધ્રુજી રહી હતી. પોલીસની જીપ સ્ટેજ પાસે આવીને અટકી. પોલીસ જીપમાંથી બહાર આવે એ પહેલાં આપાદાદા ‘દુર્ગા’ની પડખે આવીને ઊભા હતા. જીપ પાછી વળી ગઈ.
“તમે ભગવાન થઈને આવ્યા છો, ભગવાન તમારી રક્ષા કરે.”, વર્ષો પહેલાં બોલાયેલા એક અબળાના શબ્દો આપાદાદાને આજે ફરી યાદ આવ્યા.
ખુબ સરસ…👏🏻👏🏻👏🏻👏🏻
Wahh sunder varta ane ant pan
સુંદર પ્રસ્તુતિ.