Skip to content

કોથળી

“કોથળી જોઈએ છે બેન?”

“ના, છે.”

“શાક ભરાશે ને?” -ભરેલી થેલી જોઈ શાકવાળીએ પુછ્યુ.

“હા…” -હા બોલતી વખતે શિખાની નજર શાકવાળીના બે બાળકો પર પડી.

એક ક્ષણ માટે એને શાકવાળીની ઈર્ષ્યા થઈ. કોથળી શબ્દ સાંભળતી એટલીવાર ભૂતકાળ કોથળીમાંથી બહાર નીકળતો!

***

“હું બા બનું એના યોગ ક્યારે છે, જરા જોઈ આપોને?” -ઘરે આવેલા એક જ્યોતિષને બાએ સહસા જ પુછેલું. શિખા અને સૌમ્યના લગ્નને હજી વર્ષ પણ થયું નહોતું ને બાને ખુશખબર જોઈતી હતી.

“બસ જલ્દી જ તમે મને પેંડા આપવા આવશો.” -દિકરા-વહુની કુંડળી જોઈને જ્યોતિષે બાને આશા બંધાવી.

***

“શું કહ્યું ડૉક્ટરે?” -બાએ આવતાવેંત પ્રશ્ન પુછેલો.

“ટેસ્ટ કરાવ્યા છે. રિપોર્ટ આવે એટલે ખબર પડે.” -સૌમ્યએ ટૂંકમાં જવાબ આપ્યો.

બન્નેના ઉદાસ ચહેરા વાંચીને બાનું મન પણ આળુ થઈ ગયેલું.

“આપણે રિપોર્ટ કરાવીએ પછી કંઈ કહી શકું. પણ મને તમે જે સીમ્ટૉમ્સ કહ્યા એ પરથી મારું અનુમાન છે કે શિખા ક્યારેય કન્સીવ નહીં કરી શકે.” -ડૉક્ટરે રિપોર્ટ-લીસ્ટ પ્રીસ્ક્રાઈબ કરતાં કહ્યું.

લગનના પાંચ વર્ષ પછી બાળક માટે આતુરતાથી રાહ જોતા શિખા અને સૌમ્ય હવે રિપોર્ટની રાહ જોવા લાગ્યા. રિપોર્ટ આવતા જ બાળક આવવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ આવી ગયું. શિખાને ગર્ભાશયનું કેન્સર હતું. હવે બાળક માટે તો કોઈ શક્યના નહોતી પણ કેન્સર જેવા રોગ સામે લડવા માટે સજ્જ થવાનું હતું.

“બા શિખાને ગર્ભાશનું કેન્સર છે.”-સૌમ્યએ ભારે હૈયે વાત કરી.

“એટલે? દવા કરો પછી તો એ…”

કેન્સર જેવા રોગનું નામ સાંભળી બાના પગ નીચેથી તો જાણે જમીન ખસી ગઈ.

“ના બા. શિખાનું ગર્ભાશય જ કાઢી નાખવું પડે. એ પછી દવાઓ અને કીમોથેરાપીની પીડાદાયક યાત્રા તો ખરી જ…”

“એટલે કોથળી જ કાઢી નાખવાની?!” -બાએ બહુ આશ્ચર્યથી પુછ્યું.

“હા. કોથળી જ કાઢી નાંખવી પડશે.” -હું ક્યારેય મા નહીં બની શકું.

કેન્સર જેવો રોગ થયો છે એ વાત કરતાં’ય વધારે અફસોસ શિખાને મા ન બની શકવાનો હતો.

“કશો વાંધો નહીં. આપણે બસ હવે હિંમતથી કેન્સર સામે લડવાનું છે બેટા.” -શિખાના માથે હાથ ફેરવતાં બાળકની સૌથી વધારે રાહ જોતા બા બોલ્યાં. ઑપરેશનથી લઈને કીમોથેરાપીના દરેક સેશન વખતે બાએ શિખાને જ બાળક સમજીને વિશેષ કાળજી લીધી.

ઑપરેશન પછી શિખા ઘરે આવી ત્યારે એક મહિનાનો ‘બ્રુનો’ એની રાહ જોઈ રહ્યો હતો. થોડા દિવસમાં તો એ શિખાનો હેવાયો થઈ ગયેલો. શિખા જલદી રીકવર થવા લાગી. ઘરમાં કૂતરું ન લાવવા માટેનો બાનો વિરોધ શિખાનું સ્મિત જોઈને ક્યારનો’ય જતો રહ્યો હતો.

અને આજે પણ ઘરનું બારણું ખુલ્યું કે તરત બ્રુનો પૂંછડી પટપટાવતો તેની પાસે આવી ગયો – મા પાછી આવે ને નાનું બાળક કરે એમ જ! શિખા બ્રુનોને વળગી પડી.

પંખ મૅગેઝિન માર્ચ ૨૦૨૨

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

2 Comments

  1. Atit Atit

    સરસ વાર્તા છે… ઘણા સમય પછી નવી વાર્તા આવી એટલે વાંચવા ની વધારે મજા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!