(આગળની પોસ્ટમાં કહેલું કે પત્રોની એક શ્રેણી શરુ કરીશ. તે છેક હવે મેળ પડ્યો.)
પ્રિય ટપાલી,
ઘણો વખત થઈ ગયો આપણને મળ્યે નહી? કદાચ દાયકો તો ખરો જ. એમાં તમારો વાંક જ નથી, અમે પત્રો લખતાં નથી તો તમે શું પહોંચાડવા આવો અમારા ઘરે? લો આજે મેં શરુઆત કરી. જોઇએ મારો કાગળ ક્યારે પહોંચે છે તમારા સુધી. દરરોજ મેઈલ બોક્સ (ટપાલપેટી) જોતાં જોતાં હું ક્યારે ઈ-મેઈલ બોક્સ જોતાં થઈ ગઈ એ જ ખબર ના રહી. હવે તમારા ટપાલ ખાતાને ટપાલ પહોંચાડવા સિવાય ઘણુ ભારણ વધી ગયું છે…બચત ખાતા, પ્રિમિયમ લેવા વિ. સ્તો. ‘ભારતીય ડાક’ લખેલો ટ્રેનનો ડબ્બો પણ હવે લગભગ ખાલી રહેતો હશે.
સારા સમાચાર કાગળમાં આવે તો તમે પણ મીઠાઈના હકદાર રહેતા. અમને’ય એકલા એકલા મીઠાઈ ખાવાની મઝા આવતી નથી. અને ક્યારેક તમે જ કોઈના ઘરે ટપાલ વાંચી સંભળાવવા રોકાઈ જતા ત્યારે અક્ષરજ્ઞાનનું મહત્વ આપોઆપ સમજાઈ જતું. આ ક્ષણો સમયની સાથે વહી ગઈ ને મનમાં યાદોના ચોસલા છોડતી ગઈ. હવે તો તમારાં કરતાં ઍમેઝોન અને એવા ઓનલાઈન ખરીદીના પાર્સલ આપવાવાળા વધુ ઓળખીતા બની ગયા છે, બોલો.
તમારી થેલીમાં રહેલો પીળો પોસ્ટકાર્ડ હવે કદાચ વધુ પીળો પડી ગયો હશે! ક્યારે’ય ‘પોસ્ટ’ કે ‘ટપાલ’નો ટહુકો સાંભળવા મળતો નથી એનો વસવસો ઘણો છે. એમાં’ય ફ્લેટમાં તો નીચે મુકેલી ટપાલપેટીમાં જ ટપાલ નાંખીને જતા રહો છો પછી આપણી ઓળખાણ ક્યાંથી થાય? ને દિવાળીમાં રુબરુ થવાનો રિવાજ પણ હવે લુપ્ત થઈ ગયો છે. તમારા નામની દિવાળી બક્ષીસની ક્ડકડતી નોટો મારે મારા દિકરાને આપી દેવી પડે છે. ટપાલપેટીમાં હવે ચોપાનિયાં, સામાયિકો વિ. આવે પણ ટપાલ નહીં.
તમે આપી જાઓ એ ટપાલને હું સ્પર્શું તો સામેવાળાનો સ્પર્શ અને લાગણી બન્ને અનુભવી શકું. ટપાલ જોતાં સાથે જ ‘અક્ષર કેટલાં સરસ છે’ એવું અનાયાસે બોલાઈ જતું. હવે હાથને આટલુ બધુ કષ્ટ કોણ આપે છેે! ટપાલ ખરીદવાની, લખવાની, ટિકિટ લેવાની, ટપાલ ખાતના ટેબલ પર દોરીથી બાંધેલી પેનથી સરનામું લખવાનું અને વાદળી રંગની ડબ્બીમાં રહેલા લગભગ ન ચોંટે એવા ગુંદરથી ટિકિટ ચોંટાડવાની મજા…Oh my my. અને વળી સુગંધવાળા કાગળનો’ય એક જમાનો હતો. તમે તો આ બધાના સાક્ષી હશો.
ખાખી ગણવેશ પહેરી, ખભા પર બગલથેલો લઈને તમે સાઈકલ સ્ટેન્ડ પર ચડાવો, ઘંટડી વગાડો એટલે ઝટ દઈને બારણું ખૂલે. હાથમાં રાખેલી ટપાલોના થોકડામાંથી એકાદ ટપાલ મળે ત્યારે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. ‘કોનો કાગળ છે?’ એવો પ્રશ્ન ઘરના દરેકની આંખોમાં વંચાય. પછી કાગળ મોટેથી વંચાય. અને જવાબી કાગળની તજવીજ શરુ થાય. જાણે કાગળની આપ-લેનું ચક્ર પુરુ થાય. બંધ ઘર દિવસો પછી ખોલીએ તો બારણાં નીચેથી સરકાવેલા કાગળ તમારી હાજરી ચોક્કસ પુરાવે. અપાણને કોઈ યાદ કરે છે એવું બે જ સંજોગોમાં લાગે, એક જ્યારે હેડકી આવે ત્યારે અને બીજું કોઈ કાગળ આવે ત્યારે!
સમયસર ટપાલ ન મળે ત્યારે ‘આ ભારતીય ટપાલ ખાતું ક્યારે સુધરશે?’ એવો બળાપો કાઢતા ઘણા તો ખરેખરે ટપાલ મોકલી પણ ન હોય. પણ ટપાલખાતાને કે પછી ટપાલીને વચ્ચે ધરીને પોતાનો બચાવ કરી લે. પણ તમારા જેવા એને બહુ મન પર ન લે ને પોતાનું કામ કર્યે રાખે બીજુ શું. વિદેશ ગયેલાને જ્યારે દેશમાંથી કાગળ મળે ત્યારે ટપાલ પર લાગેલા ત્રિરંગાને જોઈને વતન યાદ આવતું હશે નહીં? ઘરવાળાએ સરહદ પર ઊભેલા સૈનિકને લખેલો પત્ર, મા-બાપે હોસ્ટેલમાં રહેતા સંતાનને લખેલો પત્ર, પ્રેમીએ પ્રેમીકાને લખેલો પત્ર, ગામડે રહેતાં મા-બાપે દિકરાને પૈસા મોકલવા ભલામણ કરતો પત્ર, વિવિધ ભારતીના ‘જયમાલા’માં પોતાના ગમતા ગીતોની ફરમાઈશ કરતો પત્ર, નોકરીના ઇન્ટર્વ્યુ માટેનો પત્ર. અત્ર તત્ર સર્વત્ર…પત્ર, પત્ર, પત્ર!
ઈ-મેઈલમાં આવતાં ઈ-મેઈલ અને જવાબી ઇ-મેઈલ એકમાં જ હોય તો એને ‘થ્રેડ’ ઈ-મેઈલ કહેવાય. સાચુ કહું તો પત્રો કે કાગળ પણ બે માણસોને જોડી રાખતો ‘થ્રેડ’ જ છે ને!
એ જ લિ.
પત્રોના સ્પર્શ અને સુગંધ માટે તરસી ગયેલી
ખૂબ સચોટ લખાણ… એકદમ સાચું અવલોકન અને બહુ લાગણીસભર સંવાદ…
વાંચી ને મજા આવી…