પવનથી બારીનો પડદો હળવે હળવે હિલોળા લે છે. ફ્રેંચ વિંન્ડોમાંથી સૂરજમુખી જેવો સોનેરી તડકો વચ્ચે વચ્ચે હાઉકલી કરી જાય છે. ને જતાં-જતાં દિવાલ પર પીળા રંગના લસરકા મૂકતો જાય છે. ભૂરા આકાશમાં લાંગરેલી હોડી જેવા બે-ચાર શ્વેત વાદળ પડ્યા છે, જે થોડા હાલક ડોલક થાય છે. એક કબૂતર તાર પર બેઠા બેઠા ઝૂલે છે ને હું હિંચકે. હિંચકાને ઠેસ મારુ તો માત્ર હિંચકો આગળ નથી જતો મારો દિવસ પણ જાય છે. હું ને કબૂતર અમારા એકાંતને માણીએ છીએ પોતપોતાની રીતે. અમારી વચ્ચે તારામૈત્રક રચાય છે. બે ઝગડતી કાબર આવે છે ને તાર પર બેસે છે. તાર વધુ આંદોલિત થાય છે ને અમારા તારામૈત્રકમાં ગાબડુ પડે છે. આ તાર પર પક્ષીઓ બેસતાં હશે એટલે તો એને જીવંત તાર નહિ કહેતા હોય ને? વાળ કપાવીને આવેલા બાળક જેવો, બાલ્કનીમાં રાખેલો, ટ્રીમ થયેલો એરિકાપામ આજે શ્રી કૃષ્ણની જેમ મંદ-મંદ હસે છે. બાજુ પર પડેલા પુસ્તકોના પાના પવનની સાથે મળીને ગીત ગાય છે. એનો સૂરીલો રવ બાલ્કનીને સ્નિગ્ધ માખણ ભરેલી મટકીની જેમ ભરી દે છે.
દિકરો “મારા કપડા ક્યાં?” એવો પ્રશ્ન પુછે ત્યારે વિહ્વળ બની યમુના કિનારે વસ્ત્રો શોધતી ગોપીઓ દેખાય. અને કૂકરની છેલ્લી સીટીનો જયઘોષ મને મારા ગોકુળમાં પાછી લાવી દે છે!
Be First to Comment