દિકરા જૈત્ર,
તુ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તારા નખરા પણ વધતા જાય છે. આજે મારે ખીચડી નથી ખાવી, દાલફ્રાય ને રાઇસ ખાવા છે. આજે મારે ઉત્તપમ ખાવા છે ને આમા મીઠું વધારે છે એવુ ઘણુ બધુ. મને યાદ છે કે મેં તને દાળ નાખીને ઉપમા બનાવેલી તો તેં મને પુછ્યું તુ કે કેમ કલર આવો છે? મેં તને કહ્યું કે આજે ‘yellow’ કલરની ઉપમા છે તો તેં એક ચમચી ખાઇને મૂકી દીધી. તું કલર કોન્સિયસ છે. પણ જો તું આટલો બધો કલર કોન્સિયસ હોય તો તારી મમ્મીતો થોડી કાળી છે તને ગમશે? રંગભેદની નીતિનો ભોગ માત્ર ગાંધીજી બન્યા’તા એવુ નથી. દરરોજ ઘણાબધા લોકો આનો ભોગ બને છે, નોકરી માટે ગયેલા ઉમેદવારો, લગ્ન માટે ઉત્સુક યુવક-યુવતીઓ, કોઇ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિધ્યાર્થીઓ. પણ, તું ક્યારેય કોઇ ને તેના રંગ, રુપ, કદ, જાતિ, ધર્મ, આવક એવા બધા પરિમાણ થી માપીશ નહિ. જ્ઞાન એ સૌથી મોટુ પરિમાણ છે અને એ ક્યાંય દેખાતુ નથી છતાં દેખાય છે. જ્ઞાન એ સુંદરતાનુ મોહતાજ નથી દિકરા. બાકી એવુ જ હોત તો અબ્દુલ કલામ, અબ્રાહમ લિંકન, સુંદર પીચ્ચાઇ, બરાક ઓબામા, રતન ટાટા, નારાયણ મૂર્તિ જેવા લોકો દુનિયાને ન મળ્યા હોત.
કહેવાય છે કે ‘જો દિખતા હૈ સો બીકતા હૈ’ પણ બધીજ વસ્તુઓ / વ્યક્તિઓ ‘બીકાઉ’ નથી હોતી. ઘણુ બધુ મફતમાં મળે એમ હોય છે ત્યારે આપણે એની કિંમત માંડતા હોઇએ છીએ, પણ ખરેખરતો એ અમુલ્ય હોય છે. અને એની કિંમત આપણને સમજાય ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોય તેવુ બને છે.
બીજાને ઉતારી પાડવાથી આપણે ક્યારેય ઉપર નથી ચડી શકતા, પણ આપણે જ કોઇના મન પરથી ઉતરી જઇએ છીએ, એ યાદ રાખજે!
ભગવાને આ ધરતી પર બધાને કોઇ એક ખામી આપી છે અને એક ખૂબી પણ આપી જ છે. કોઇની ખામીને ખાનગીમાં કહેજે અને ખૂબીને જાહેરમાં જણાવજે.
લિ
તને બહુ વ્હાલ કરતી તારી મમ્મી.
Be First to Comment