Skip to content

હૂંફ

આજે ‘હૂંફ’ના પાંચમાં સ્ટોરનું ઉત્ઘાટન હતું. મર્યાદિત આમંત્રિતોની સાથે સવિતાબેન ઉભા હતા. ઇસ્ત્રી કરેલી કોટન સાડી, બ્રાઉન ફ્રેમના ચશ્મા, કપાળમાં લાલ ચટ્ટાક ગોળ ચાંદલો, કાળજીથી ઓળેલા વાળ અને ચહેરા પર સ્મિત. વાળમાં લગાવેલી વેણી જાણે સવિતાબેનની જ સુવાસ પ્રસરાવતી હતી. ઉત્ઘાટનમાં આવેલા સૌના મોઢે એક જ વાત હતી કે કોઈ પણ ઉંમરે કંઈ પણ કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે સવિતાબેન.

છપ્પન વર્ષની ઉંમરે પતિના આકસ્મિક અવસાન પછી સવિતાબેન આઘાતમાં સરી પડેલા. ઘણા સમય સુધી રાત્રે ઉંઘમઘી જાગી જતા. ઘર ચલાવવાની કોઈ ચિંતા નહોતી. પણ જીવન પરાવલંબી લાગ્યા કરતું. વહુ-દિકરો બન્ને પુરતી કાળજી રાખતાં કે ક્યાંય મમ્મીને ઓછું ના આવે. પણ હ્રદયમાં એક ઊણપ વરતાતી. સમયની સાથે બધું જ ગોઠવાઈ જશે એમ પછી સવિતાબેને સ્વીકારી લીધેલું. સવિતાબેન લગ્ન અને બાળકો પહેલાં સ્વેટર ભરતાં. એક સ્વેટર ભરવાનું મશીન પણ વસાવ્યું હતું. શિયાળામાં સગા-સંબંધીઓને સ્વેટર બનાવીને વહેંચે ને વહેંચવાનો આનંદ લે. ધીમે-ધીમે ઘરની અને બાળકોની જવાબદારી વધતાં એ મશીન અને ઊન માળિયામાં ક્યારે જતાં રહ્યાં ખબર પણ ન પડી. જાણે પોતે જ સંસારની જવાબદારીઓ બજાવવામાં મશીન બની ગયેલાં! પિતાના અવસાન પછી દિકરા-વહુએ બહુ આગ્રહ કર્યો, આ મશીન પર સ્વેટર બનાવવાનું શરુ કરો, તમને ગમશે. પણ સવિતાબેનનું મન ક્યાંય ન લાગતું.

એક દિવસ ઘરે કામ કરવા આવતી રેવતીનો સુજી ગયેલો ચહેરો જોઈ સવિતાબેન હેબતાઈ ગયા! પુછ્યું તો રેવતી ખોળામાં માથું મૂકીને રીતસર રડવા જ લાગી. પહેલાં પતિના અવસાન પછી દારુડિયા દિયર સાથે પરાણે પરણાવેલી રેવતી ઘણી વાર અત્યાચારનો ભોગ બનતી. કામ કરતાં મળતાં રુપિયા પણ પુરેપુરાં ઘરમાં આપી દેતી. છતાં’ય માર સહન કરવો પડતો. સવિતાબેનથી આ ન જોવાયું. ત્યારે જ મનમાં નક્કી કર્યું કે વિધવા સ્ત્રીઓને માત્ર સહારા માટે લગ્ન કરીને પોતાની સુંદર જિંદગીની આહુતી ન આપવી પડે એવું કંઈક નક્કર કરવું. માળિયામાંથી મશીન ઉતારાવ્યું. મન અને મશીન પરની ધૂળ સાફ કરીને સ્વેટર બનાવવાનું શરુ કર્યું. ક્યારેક કોઈ એક્ઝિબિશનમાં સ્ટોલ કરી વેચાણ પણ શરુ કર્યું. સાથે રેવતીને જ રાખી ને મશીન પર સ્વેટર ગુંથતાં શીખવાડવા લાગ્યા. આર્થિક રીતે પગભર બનતાં રેવતીનામાં આત્મવિશ્વાસ આવવા લાગ્યો. પછી તો એની આસાપાસના વિસ્તારમાં પણ કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય તો તરત સવિતાબેનને વાત કરતી. સવિતાબેન માનસિક સહારો તો આપતાં જ સાથે આર્થિક રીતે પગભર થવાની તાલીમ પણ આપવા લાગ્યા. ક્યારેક માત્ર વિધવા હોવાના કારણે સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓનો ઉકેલ પણ લાવવો પડતો. અનેક શોષિત સ્ત્રીઓને પગભર થવાની દિશા મળી.

ઘરમાં શરુ કરેલું કામ વિસ્તરતું ગયું ને એક આખી ફેક્ટરી સ્થાપિત થઈ. કંપનીનું નામ અને લોગો વહુએ ડિઝાઈન કરી આપ્યો. ‘હુંફ’નામની બ્રાન્ડ દરેક વ્યક્તિ સુધી પહોંચે એટલે એક કંપની આઉલેટ પણ ઉભું કરાયું. કંપની અને ફેક્ટરીમાં દરેક જગ્યાએ માત્ર સ્ત્રીઓ જ કામ કરતી હોય એવી યુનિક કંપની બની. કસ્ટમાઈઝ ડીઝાઈન, પર્સનલાઈઝ ડીઝાઈન જેવા નવા વિચારથી કંપનીને આ પાંચમો સ્ટોર શરુ કરવાની ફરજ પડી.

જે રેવતીની તકલીફથી સવિતાબેનને આ વિચાર આવ્યો એ રેવતીએ જ પાંચમાં સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. સવિતાબેનના આશિર્વાદ લઈ રેવતી એમને બાઝી પડી. ત્યારે રેવતીને ખરેખર મા જેવી હુંફ સવિતાબેનમાં વરતાઈ!

Published in Pankh Magazine (March 2020)

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!