શહેરમાં આવ્યાને આમ તો સારો એવો સમય થઇ ગયો હતો. અત્યાર સુધી જે વિસ્તારમાં રહેતાં હતાં ત્યાં હજી સી.સી.ટીવીનું એટલું ચલણ નહોતું પણ આ નવા વિસ્તારમાં ઠેર-ઠેર સી.સી.ટીવી નજરે ચઢતાં હતાં. જ્યાં રહેવા આવ્યા ત્યાં શિખાએ જોયું કે ફ્લેટમાં, ‘તમે સી.સી.ટીવીની નજરકેદમાં છો.’ એવી સુચના લખેલી હતી. મન દુઃખથી ભરાઈ આવ્યું. નજરકેદ શબ્દ વાંચીને શિખા ત્રણ દાયકા પાછળ પહોંચી ગઇ.
લગ્ન કરીને ગામનાં એ પોળવાળા ઘરમાં પહોંચી ત્યારે લગભગ પોળની બધી સ્ત્રીઓ એને જોવા આવેલી. બહુ જ અજુગતું લાગેલું. કેટલી’યે આંખો એને આવા જ સી.સી.ટીવીની જેમ પગથી માથા સુધી તાકી રહેલી. નવા ઘરનું વાતાવરણ ઘણુખરું રુઢિચુસ્ત હતું. એમાં વળી સંયુક્ત કુટુંબ – સાસુ, સસરા, કાકાજી, વડસાસુ, જેઠ, જેઠાણી એમનાં બે છોકરાં એમ કરતાં પૂરા દસ સભ્યો. નવી આવેલી વહુ પર જાણે બધાની નજર મંડાયેલી રહેતી. ઘરમાં કશું પણ કરતાં સો વાર વિચાર કરવો પડતો. ખાલી સુહાસનો નહિ પણ બધાના ગમા-અણગમાને જોવો પડતો.
ઘરમાં ડ્રેસ પહેરતી ત્યારે વડસાસુની નજરમાં અણગમો સ્પષ્ટ વરતાતો. કોઇ બહુ મોટો ગુનો કરી નાંખ્યો હોય એવું થયા કરતું.
બા કહેતાં પણ ખરાં, “ડ્રેસ કરતાં સાડી વધારે શોભે. આ બધું ઝાઝા દિવસ નહિ ટકે.”
“તમે બાની વાતનું બહુ મન પર ન લેતાં. હું લગ્ન કરીને આવી ને ડ્રેસ પહેરતી થઈ ત્યારથી એ આમ જ કહે છે. એમણે ઘર બહારની દુનિયા જોઈ નથી. એમનું મન હજી એ જુના વિચારોને જળોની જેમ ચોંટી રહ્યું છે.”, જેઠાણી મન પામી જતાં કહેતાં. પણ છતાં’ય મન સતત દુભાયા કરતું.
ઘરની બહાર નીકળતી ત્યારે જાણે નજરના પિંજરામાં પૂરાયેલા પંખીને મુક્ત હવામાં શ્વાસ લેવા મળતો. નાના ગામની ખાસિયત ગણો કે તકલીફ, બહાર પણ લોકો તમારી પર નજર માંડીને બેઠેલા હોય. સતત તમારી પાછળ દોરવાતી આંખો તમારાથી જીરવાય નહિ. સાસુ-સસરા સમજુ હતાં એટલે પ્રશ્નો ઉભા થતાં નહિ. પણ સ્વપને’ય નહોતું વિચાર્યું એવો પ્ર્શ્ન એક દિવસ સામે આવી અડિંગો જમાવી બેઠેલો.
ઉંમર થતાં સુધી ન પરણી શકેલાં કાકાજી તરફથી થોડું વિશેષ વલણ પોતાના તરફ રહેતું. લાગતું કે કદાચ મારા અહીં હોવાની વધુ ખુશી સુહાસ પછી એમને જ છે. પણ ધીમે-ધીમે એ વલણે અણગમાનું સ્થાન લઈ લીધું. ઘરમાં હરતાં-ફરતાં કે કામ કરતાં ગમે તે રીતે લાગ જોઇ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા.
“કંઇ મદદ કરું.” કહીને ખંધુ હસતાં. એમની નજરમાં પહેલી વાર વડીલને શોભે એવી લાગણી કરતાં વાસનાનાં પૂર જોયેલાં. અને ત્યારથી મન સતત ફફડવા લાગ્યું હતું. સુહાસને કહીશ તો મારી વાત પર ભરોસો કરશે કે કેમ્, બધાને મારી વાત સાચી લાગશે કે કેમ એમ સતત વિચાર આવ્યા કરતાં. કાકાજી મારા અણગમાને’ય અવગણવા લાગ્યાં ત્યારે મગજ સુન્ન થઇ ગયેલું. સી.સી.ટીવી જેવી બધાની નજર કેમ આ બધું જોઈ શકતી નહોતી? એ પ્રશ્ન પજવતો.
લાગ જોઈ એમણે એક દિવસ રસોડામાં હાથ પકડી લીધેલો. એમના ચહેરા પર કળી ન શકાય એવું વિજયી સ્મિત હતું. પોતે રીતસર ધુજી રહી હતી. પણ હતી એટલી હિંમત એકઠી કરી એક જોરદાર તમાચો કાકાજીના ચહેરા પર લગાવી દીધેલો. ન ધારેલાં પ્રત્યાઘાતથી કાકાજી રીતસર ત્યાંથી ભાગી ગયેલા. બધા જાણશે તો શું એ વાતનો ભય તમાચાના સોળની સાથે એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
ઘરમાં ખબર પડતાં જ સુહાસે બીજી દુકાન શહેરમાં ખોલી ને શહેરમાં સ્થાયી થયા.
ત્રણ દાયકા પાછળ ચાલતાં-ચાલતાં શિખા ત્રણ કિલોમિટર આગળ આવી ને એક શોરુમ પાસે અટકી.
“સ્માઈલ, વી આર કેપ્ચચરીંગ યુ.” વાંચીને હસી પડાયું.
Published in Pankh Magazine (April 2020)
Totally loved it.. You choose bold subjects!
Bravo!! Keep writing..
Love,
Swati
ખૂબ જ સુંદર.. loved it.
Good story.